Ahmedabad

ગુજરાત વિધાનસભાનું આજે મળનારૂં સત્ર ભારે તોફાની બનવાની શક્યતા

   

ચૂંટણીનું પરિણામ ઘોંચમાં પડતાં મોડી રાત્રી સુધી સ્વર્ણિમ સંકુલમાં ધમધમાટ

રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મંગળવારે યોજાયેલા મતદાન બાદ સાંજે પ વાગે મતગણતરી શરૂ થવાની હતી અને ૬ વાગ્યા સુધી તો પરિણામ સ્પષ્ટ થઈ જવાનું હતું પરંતુ કોંગ્રેસના બે ધારાસભ્યોએ નિયમ મુજબ તેમના પક્ષના પોલિંગ એજન્ટને બેલેટ પેપર બતાવવાને બદલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને બતાવતાં કોંગ્રેસની ફરિયાદ બાદ આ મુદ્દો કાયદાકીય વિવાદમાં સપડાયો હતો. આથી મોડી રાત્રી સુધી વિવાદનો ઉકેલ ન આવતા પરિણામ ઘોંચમાં પડયું હતું. આથી સ્વર્ણિમ સંકુલની આસપાસ મોડી રાત્રી સુધી ભાજપ-કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ફિલ્ડીંગ ભરવી પડી હતી. મતદાન બાદ ભાજપ-કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોએ ઉમેદવારની જીતના દાવા કર્યા હતા.

 

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસું સત્રનો આજરોજ પ્રારંભ થયો હતો. સત્રનો પ્રથમ દિવસ દિવંગત પૂર્વ ધારાસભ્ય શાંતાબેન ચાવડાને શબ્દાંજલિ અર્પણ કરી શોક ઠરાવ પસાર કર્યા બાદ અડધા કલાકમાં ગૃહની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. હવે આવતીકાલે મળનારા સત્રમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી પર હુમલો, પૂરની પરિસ્થિતિમાં સરકારની બેદરકારી અને નિષ્ફળતા, કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ધારાસભ્યોના ખરીદ ફરોખ્તના મુદ્દે વિધાનસભા ગજવવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભામાં હાલ રિનોવેશનની કામગીરી ચાલતી હોવાથી વિધાનસભાનું સત્ર મહાત્મા મંદિર ખાતે મળ્યું હતું. આજે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી ગૃહમાં ખૂબ જ પાંખી હાજરી હતી. આમેય આજે માત્ર શોક ઠરાવ પસાર કરી ગૃહ મુલતવી રહેવાનું હોવાથી મોટાભાગના ધારાસભ્યોએ ગૃહમાં જવાનું ટાળ્યું હતું. જો કે આવતીકાલે પૂર્ણ સમયનું સત્ર મળનાર હોવાથી કોંગ્રેસ વિવિધ મુદ્દે ગૃહમાં ભારે હંગામો મચાવે તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પદેથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપતા મોહનસિંહ રાઠવાને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે નિમવામાં આવ્યા છે. જેમની નેતાગીરીમાં પ્રથમવાર સત્ર મળનાર હોવાથી તેમની પણ પરીક્ષા થશે. કોંગ્રેસ રાહુલ ગાંધી પર હુમલો, રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે અપનાવેલી મેલી રમત, કોંગ્રેસના ધારાસભ્યોની તોડફોડ, ખેડૂતોની દયનિય સ્થિતિ, મહિલાઓ પરના અત્યાચાર, કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, બેરોજગારી સહિતના મુદ્દે ભાજપને ભારે ભીંસમાં લે તેવી શક્યતા છે. વિધાનસભા ગૃહમાં ખેત જમીન ટોચ મર્યાદા ધારો, શહેરી જમીન ટોચ મર્યાદા સહિતના વિધેયકો પણ રજૂ થશે. ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીના પરિણામની અસર પણ વિધાનસભામાં દેખાવાની શક્યતા હોવાથી બંને પક્ષે ભારે હંગામાની સ્થિતિ રહે તેવી શક્યતા છે.