(એજન્સી) તા.૧૮
જેડીયુ શરદ યાદવ જૂથના કાર્યકારી અધ્યક્ષ છોટુભાઈ વસાવાએ કહ્યું છે કે, એમનો પક્ષ કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે ગઠબંધન કરશે. એ સાથે હાર્દિક પટેલ સાથે પણ જોડાણ કરીશું જેથી ભાજપને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પડકારી શકાય. ૬ વખતે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય રહી ચૂકેલ વસાવાને આદિવાસીઓનું સમર્થન છે. એમણે ભાજપની ટીકા કરતાં કહ્યું કે, નોટબંધી અને જીએસટીના લીધે અર્થતંત્રને ભાજપે ખૂબ જ ક્ષતિ પહોંચાડી છે. સરદાર સરોવરના ડેમના ઉદ્દઘાટનથી સામાન્ય વ્યક્તિને કોઈ મદદ મળવાની નથી. ગઈકાલે યાદવ જૂથે બિહારમાં જણાવ્યું હતું કે, નીતિશકુમારની પક્ષના અધ્યક્ષ તરીકે કરાયેલ નિમણૂક ગેરકાયદેસર છે અને એના બદલે કાર્યકારી અધ્યક્ષ તરીકે વસાવાની નિમણૂક કરી રહી છે. એમને નીતિશ બાબતે પૂછતા જણાવ્યું કે, નીતિશે અમારો પક્ષ છોડી દીધો છે. યાદવ જૂથના અન્ય નેતા જાવેદ રજાએ કહ્યું કે અમે ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી પક્ષના ચિન્હને મેળવવાનો પ્રયાસ કરીશું. પક્ષમાં ઘણા બધા અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદોનો નીતિશને સમર્થન છે જેથી યાદવની નેતાગીરી સામે પડકાર ઊભો જ છે. એના જવાબમાં વસાવાએ કહ્યું કે ધારાસભ્યો, સાંસદો અને અધિકારીઓના સમર્થનથી ફેર પડતો નથી. અમને અમારા પક્ષના સભ્યોનું ઘણું સમર્થન છે.