ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ કોંગ્રેસને મરણતોલ ઘા મારવા લડવાની છે

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
ભાજપના દક્ષિણ ગુજરાતના સંમેલનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ કોંગ્રેસને મરણતોલ ઘા મારવા માટે ચૂંટણી લડવાની છે. ગુજરાતમાંથી કોંગ્રેસને મૂળિયા સહિત ઉખેડી ફેંકવા માટેના સંકલ્પનું આ સંમેલન છે, માત્ર ફરીથી સરકાર બનાવાનું નથી, કોંગ્રેસમાં એકને મનાવો તો બે રિસાઈ જાય તેવી કફોડી પરિસ્થિતિ છે. એટલું જ નહીં અમિત શાહે આજે ફરીવાર તેમની અને નરેન્દ્ર મોદીની પેલી આલિયા-માલિયા-જમાલિયાવાળી ઉક્તિ સૂચક રીતે ઉચ્ચારી હતી કે કોઈ આલિયા-માલિયા-જમાલિયાની તાકાત નથી કે તે હવે કોમી રમખાણો કરાવી શકે. આજરોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ પાંચકાકડા ખાતે દક્ષિણ ગુજરાત ઝોનના ૮ જિલ્લાના પેજ પ્રમુખ વિજય વિશ્વાસ મહાસંમેલનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ નિહાળીને જણાવ્યું હતું કે મે મારી ૧પ વર્ષના વયથી થયેલી રાજકીય કારકિર્દીમાં કાર્યકર્તાઓનું મહાસાગર જેટલું આટલું મોટું વિરાટ સંમેલન ક્યારેય જોયું નથી. આ સંમેલનનું માત્ર દૃશ્ય જોઈને કોંગ્રેસનું ગુજરાતમાં ચૂંટણી જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ જાય તેમ છે. કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાતને ર૪ કલાકમાંથી માત્ર ૩થી ૪ કલાક જ વીજળી મળતી હતી. કોમી તોફાનો જાણે કે ગુજરાતનું પર્યાય બની ચૂક્યું હતું. કોંગ્રેસે પ્રજાની દુર્દશા કરવા સિવાય કાંઈ કર્યું ન હતું અને નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી ગુજરાતમાં કોઈપણ આલિયા-માલિયા-જમાલિયાની તાકાત નથી કે તે કોમી રમખાણો કરાવી શકે. આગામી ચૂંટણીઓ માત્ર સરકાર બનાવવા નહીં પરંતુ કોંગ્રેસને જળમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે લડવાની છે. તેમ જણાવતા તેમણે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે યુવા, દલિત, આદિવાસી, ગરીબ મહિલાઓના ૧ર લાખ કરોડ રૂપિયા ચાઉ કરી જનાર કોંગ્રેસ ભાજપાને પ્રશ્ન પૂછે છે કે પ્રજાને શું આપ્યું ? તેમણે કહ્યું કે નર્મદા યોજનાને આટલા વર્ષો સુધી લટકતી રાખવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. ભાજપાની સરકાર નર્મદા યોજનાને ગતિ આપીને ગુજરાતમાં નર્મદાથી ખાવડા અને નર્મદાથી બનાસકાંઠા સુધી નર્મદાના નીર પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું. રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ૧પ૦થી વધુ બેઠકો જીતીને ગુજરાતના કાર્યકર્તાઓ વિકાસની પ્રતિબદ્ધતા તેમજ વિજયની પરંપરાનો સંદેશો સમગ્ર દેશ અને દુનિયાને આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પેજ પ્રમુખનું સંમેલન એ તે જ પ્રમુખનું સંમેલન ભાજપાના નેતૃત્વની સક્ષમતા અને અવિરત પ્રવાસ, કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ દ્વારા ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ જનવિશ્વાસ-જનાધાર વધારી રહ્યા છે. ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ જનવિશ્વાસ-જનાધાર વધારી રહ્યા છે. ભાજપાની નીતિ સ્પષ્ટ છે અને નિયત સાફ છે, સત્તા એ સેવાનું સાધન છે જ્યારે કોંગ્રેસ માટે સત્તા એ માણવા અને વ્યક્તિગત લાભો માટેનું સાધન છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી સમયે જ ઉગી નીકળનાર કોંગ્રેસ અનેક પ્રલોભનો આપી પ્રપંચો રચી જનતાને ભરમાવવાનો પ્રયત્નો કરશે. ત્યારે ભાજપાના કાર્યકર્તાઓએ જાગૃત રહી અને સકંલ્પબદ્ધ બનીને આવા પ્રયાસોને નિષ્ફળ બનાવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks