Ahmedabad

દેશભરમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓ વિરૂદ્ધ જનઆક્રોશ : ગુજરાતમાં દેખાવો

હૈદરાબાદ, રાંચી, ઉત્તરપ્રદેશ, ગુજરાતના વડોદરા, સુરત, રાજકોટ વગેરે રાજ્યો અને શહેરોમાં બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને કરપીણ હત્યાના બનાવોથી દેશભરના લોકોમાં ખૂબ આક્રોશ વધી રહ્યો છે. લોકો એ બાબતે પણ ગુસ્સે છે કે, પોલીસ, વહીવટી તંત્ર, ન્યાય તંત્ર, સરકાર, સહુ આ બાબતે ખૂબ શિથિલ અને બેદરકારભર્યું વર્તન દાખવી રહ્યા છે. જેના કારણે ગુનેગારોને બળ મળે છે. આ આક્રોશને વ્યક્ત કરવા માટે ઓલ ઈન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન, ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્‌સ ઓર્ગેનાઈઝેશન તથા ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા દેશભરમાં રેલી, મીણબત્તી દેખાવો, વિરોધ પ્રદર્શનો, ધરણા, આક્રોશસભા વગેરે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તે સંદર્ભે ગુજરાતમાં પણ આજે ર ડિસેમ્બરના રોજ અમદાવાદ અને વડોદરામાં દેખાવો યોજવામાં આવ્યા હતા, જ્યારે સુરતમાં ૩ ડિસેમ્બરના રોજ દેખાવોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે યોજાયેલા દેખાવોમાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, ટ્રેડ યુનિયનના નેતાઓ, કર્મશીલો, સામાન્ય નાગરિકો જોડાયા હતા અને વધતા જતા બળાત્કારો અંગે સહુએ ચિંતા વ્યક્ત કરી હતી, તો ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક સજા કરવાની, તમામ માધ્યમોમાં અશ્લીલતા પર પ્રતિબંધ લાદવાની તથા જસ્ટિસ વર્મા કમિટીની ભલામણોનો અમલ કરવાની માગણી પણ દેખાવોમાં કરવામાં આવી હતી.