(એજન્સી) કોલકત્તા, તા. ૯
એક આઘાતજનક ઘટનાક્રમમાં, તેલંગાણાના ગોશામહલના ભાજપના ધારાસભ્યે રાજાસિંહે પશ્ચિમ બંગાળમાં રહેતા હિન્દુઓને ૨૦૦૨ ના ગુજરાતના મુસ્લિમ વિરોધી હત્યાકાંડનું પુનરાવર્તન કરવાની અપીલ કરી હતી. ગુજરાતના આ કોમી તોફાનમાં ૨,૦૦૦ કરતાં પણ વધારે મુસ્લિમો માર્યાં ગયા હતા. ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. રાજાસિંહે પશ્ચિમ બંગાળમાં વસતા હિન્દુઓ અપીલ કરતાં કહ્યું કે ગુજરાતમાં હિન્દુઓએ ૨૦૦૨ ની સાલમાં જે કર્યું હતું તેમણે પણ તેવું જ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, આજે જ્યારે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સલામત નથી. હિન્દુઓએ બંગાળમાં ગુજરાતવાળી કરવી જોઈએ. અન્યથા ટૂંક સમયમાં બંગાળ બાંગ્લાદેશમાં ફેરવાઈ જશે. બંગાળના બસીરહાટની આસપાસનો વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી કોમી હિંસાની આગમાં લપેટાયો છે. અહિં એક ૧૭ વર્ષીય યુવકે ફેસબુક પર મોહમદ પયગંબર વિરૂદ્ધ અપમાનજક પોસ્ટ મૂક્યા બાદ કોમી હિંસા ફાટી નીકળી હતી. હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવા માટે ભાજપના ઘણા નેતાઓએ નકલી તસવીરો શેર કરી રહ્યાં હતા. આલોચકોએ કહ્યું કે ધાર્મિક ધ્રુવીકરણને કારણે અવારનવાર ભગવા પાર્ટીને રાજકીય લાભ મળતો હોય છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં પગપેસારો કરવા માટે ઘણા સમયથી આકરી મહેનત કરી રહી છે. ચાલુ વર્ષના એપ્રિલમાં પણ ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ રાજાસિંહની સામે હૈદરાબાદ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. તે વખતે રાજાસિંહે કહ્યું હતું કે અયોધ્યાયમાં રામ મંદિરના નિર્માણ કામને અટકાવવાનો પ્રયાસ કરનારે દેશદ્રોહીઓ ગણવા જોઈએ અને તેમને દેશમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ. ભાજપના આ ધારાસભ્યે કહ્યું હતું કે યુપીમા મુલ્લા સરકાર ગઈ. હવે અમારા બાપની સરકાર છે.