(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
શુક્રવારે કોંગ્રેસના સભ્યોના વિરોધને કારણે ભોજન પહેલાના સત્રની સુનાવણી ચાર વખત સ્થગિત કરાતા રાજ્યસભાનું કામકામ અટકયું હતું. કોંગ્રેસના સભ્યોએ ગુજરાત પોલીસ પર કોંગ્રેસના ધારાસભ્યોના અપહરણનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે આરોપ મૂકયો છે કે ગુજરાત પોલીસે તેમના ધારાસભ્યનું આગામી ચૂંટણી પ્રભાવિત કરવા અપહરણ કર્યું છે. કોંગ્રેસના સભ્યો વારંવાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતાં રહ્યા અને ભાજપ પર ધારાસભ્યોને ‘ચોરવાનો’ આરોપ લગાવતા રહ્યા હતા. આ કારણોસર રાજ્યસભા વારંવાર મોકૂફ રાખવી પડી.
સદનની કાર્યવાહી શરૂ થતાં જ ઉપસભાપતિ કુરેને ૧૦ મિનિટ માટે સદન મોકૂફ રાખ્યું કારણ કે વિપક્ષ નેતા ગુલામનબી આઝાદ આને કારણે કોંગ્રેસના નાયબ નેતા આનંદ શર્મા સહિત અન્ય કોંગ્રેસ નેતાઓએ આ મુદ્દો ઉઠાવી વિરોધ શરૂ કર્યો. વારંવાર આવી જ પરિસ્થિતિ સર્જાતા ૧૪ઃ૩૦ સુધી સદનને ચાર વાર સ્થગિત કરવું પડ્યું.
આઝાદે કહ્યું કે વ્યારાના અનામત મતક્ષેત્રના ધારાસભ્ય પુનાભાઈ ગામિત કારોબારી કમિટીની મુલાકાત બાદ અન્ય એક ધારાસભ્યને મળવા ગયા હતા જ્યાંથી તેમનું અપહરણ થયું હતું. આઝાદે વધુમાં કહ્યું કે જે પોલીસ અધિકારીએ કોંગ્રેસ ધારાસભ્યનું અપહરણ કર્યું. તેમની નકલી એન્કાઉન્ટર કરવા બદલ ધરપકડ થયેલી છે. આ આક્ષેપોના જવાબમાં ભાજપે તેમને કોંગ્રેસી સભ્યોના રાજીનામા યાદ અપાવી પક્ષનું ધ્યાન રાખવા સૂચન આપ્યું. નકવીએ કહ્યું કે જો કોંગ્રેસને કોઈ ફરિયાદ હોય તો ઈલેકશન કમિશનને કરે. રાજ્યસભા વિરોધ કરવા માટેનું સ્થળ નથી. ઉપસભાપતિ કુરિયને કહ્યું કે આઝાદે કહ્યા મુજબ જો ઘટના બની હોય તો સદન પાસે તેનો કોઈ ઉકેલ નથી. તેઓ પોલીસ કે ઈલેકશન કમિશનનો સંપર્ક કરી શકે છે કારણ કે નિરપેક્ષ ચૂંટણી યોજવાનું કામ ઈલેકશન કમિશનનું છે. કોંગ્રેસ દ્વારા વિરોધ ચાલુ રખાતા આખરે રાજ્યસભા સ્થગિત કરવામાં આવી હતી.