
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઈવેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં સંબોધન કરતા એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનો આ સંવાદ કાર્યક્રમ ચૂંટણીની શરૂઆત છે. ગુજરાતની ભાજપ સરકારમાં અત્યારસુધી મોટી વાતો અને સારૂં માર્કેટિંગ થઈ રહ્યું છે પરંતુ કોઈ કામો થતા નથી. રર વર્ષના શાસનમાં તમામ સમાજને નુકસાન થયું છે. એટલે કે આ કુશાસન છે. નર્મદાનું પાણી રાજસ્થાનમાં કોંગ્રેસના શાસનકાળથી દરેકને મળી રહ્યું છે. ત્યાં ખેતી થાય છે પરંતુ ગુજરાતના ખેડૂતો તરસી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી અંગે ભાજપને આડે હાથ લેતા અશોક ગેહલોતે જણાવ્યું હતું કે કોંગ્રેસના ફાળે આવતી એક બેઠક પણ પડાવી લેવા ભાજપે જે તમાસો ઊભો કર્યો અને હિટલરશાહી, ઘમંડ, અહંકાર, હોર્સટ્રેડિંગ, તોડફોડની રાજનીતિ, આઈટીના દરોડા, અમારા ધારાસભ્યોને નાછૂટકે બેંગ્લુરૂ જવું પડ્યું એ તમામ દેશભરની જનતાએ જોયો અને પરિણામની રાત્રે પણ આખી રાત લોકો ટીવી સામે બેસી ભાજપનું નાટક જોતા રહ્યા અને લોકોના દિલમાં જે ભાવના હતી તેવું જ પરિણામ આવ્યું. ચૂંટણીમાં ભાજપની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. નવસર્જન ગુજરાત રાહુલ ગાંધીનું સ્વપ્ન છે. જેમાં ખેડૂતો, એસસી, એસટી, ઓબીસી, લઘુમતિઓનું ભલું કેમ થાય તે મુદ્દાને પ્રાધાન્ય અપાય છે. ચૂંટણીમાં જે લોકો ગર્જનાઓ કરે છે. તેમની પોલ ખુલી જશે. કારણ કે ખેડૂતો સમજે છે કે જે ગરજે છે તે વરસતા નથી. તેમની પાસે સત્તા, સાધન, શક્તિ છે. જ્યારે અમારી સાથે જનતાનો વિશ્વાસ છે તેમ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ પક્ષના સંવાદ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીમાં નવસર્જન ભારત એટલે કે દેશને નવી દિશા આપી વિશ્વમાં મહાન રાષ્ટ્ર બની શકે તેવું નેતૃત્વ પૂરૂં પાડવાની તાકાત છે. ભાજપે પંચાયતોમાં અને રાજ્યસભામાં તોડફોડની રાજનીતિ કરી છતાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અડીખમ ઊભા રહ્યા તે કાબીલે તારીફ છે. ભાજપ કાવત્રા, કારનામા અને ગુંડાગિરીથી સત્તા પ્રાપ્ત કરવા માગે છે. પરંતુ ગુજરાતની પ્રજા પણ રાહ જોઈને જ બેઠી છે અને કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે કરીને જ રહેશે.