Gujarat

ગુજરાતનો દરેક સમાજ ભાજપ સરકારથી નારાજ

જંબુસર, વાગરા, તા.૧
અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ત્રીજા તબક્કાની યુવા રોજગાર ખેડૂત અધિકાર નવસર્જન યાત્રાના દ.ગુ. પ્રવાસનો પ્રારંભ આજરોજ જંબુસર ખાતેથી કરવામાં આવ્યો હતો. આ નવસર્જન યાત્રાના પ્રારંભે ઉમટી પડેલ જંગી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાજના કોઈપણ ભાગમાં ખુશી નથી. જ્યાં જુઓ ત્યાં દુઃખ જ છે મુશ્કેલીઓ છે. ફકત પાંચ-દસ મોટા ઉદ્યોગપતિઓ ખુશ છે. રાજ્યના ખેડૂતો રડી રહ્યા છે. તેઓ પોતાનું દેવું માફ કરાવવા ઈચ્છે છે. રાજ્યમાં ૯૦ ટકા કોલેજો મોટા ઉદ્યોગપતિઓના હાથમાં છે. સારું શિક્ષણ મેળવવા માટે ૧૦થી ૧પ લાખ ખર્ચ કરવા પડે છે. આ ઉપરાંત તેમણે જીએસટી, નોટબંધી પર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધી મોટર માર્ગે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે જંબુસર સીટી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચતાં તેઓનું સભાસ્થળે ઉમટેલ વિશાળ જનમેદનીએ અભિવાદન કરી આવકાર્યા હતા. યુવા રોજગાર ખેડૂત અધિકાર નવસર્જન યાત્રાના દક્ષિણ ગુજરાતના પ્રવાસના પ્રારંભે યોજાયેલ સભાનો પ્રારંભ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીએ સ્વાગત પ્રવચનથી કરી ઉપસ્થિત રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોને આવકાર્યા હતા.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજની આ સભામાં ઉમટેલ જંબુસર મતવિસ્તારની જંગી જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતના તમામ રાજ્યોમાં ફર્યો છું. પરંતુ પ્રથમવાર ગુજરાતમાં એવું લાગે છે કે સમાજના કોઈપણ ભાગમાં ખુશી નથી. જ્યાં પણ જુઓ ત્યાં મુશ્કેલી છે. ગુજરાતમાં દરેક સમાજ તકલીફમાં છે. પરંતુ ફકત પાંચ-દસ મોટા ઉદ્યોગપતિઓ જ ખુશ છે. તેઓને કોઈ ફરિયાદ નથી ગુજરાતમાં પાણીની સમસ્યા છે. નર્મદાનું પાણી ખેડૂતોને પ્રજાજનોને મળતું નથી. પરંતુ પૂરતું પાણી આ ઉદ્યોગપતિઓને મળે છે. ગુજરાતમાં ખેડૂત રડી રહ્યો છે. ખેડૂત દેવું માફ કરાવવા ઈચ્છે છે. ત્યારે તેને મદદ કરવાની જગ્યાએ ભાજપા સરકારે તાતા નેનોને ૩૩ હજાર કરોડ બેંક લોન આપી તે પણ નહીંવત વ્યાજે ! ૩૩ હજાર કરોડથી ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થઈ શકત પરંતુ તે ના કર્યું. ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તમે સડક પર ચાલો છો ત્યારે નેનો ગાડી તમને દેખાઈ છે ખરી ? ગાડી બનાવવા લોન આપી, જમીન આપી, વીજળી આપી પરંતુ ગાડી દેખાતી નથી. આ છે નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડેલ ? શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે થઈ રહેલા ખાનગીકરણના પરિણામે સમાજમાં ગુસ્સો પ્રવર્તી રહ્યો છે. માતા-પિતા અપેક્ષા રાખે છે કે પોતાના બાળકને શિક્ષણ સારું મળે પરંતુ ગુજરાતમાં ૯૦ ટકા કોલેજો મોટા ઉદ્યોગપતિઓના હાથમાં છે. ગુજરાતનો યુવાન સારું શિક્ષણ મેળવવા ઈચ્છતો હોય તો તેને ૧૦થી ૧પ ખર્ચવા પડે તો ખાનગી સંસ્થામાં ભણી શકે. શું છે આ ગુજરાત મોડેલ ? ગુજરાતમાં પૈસા નહીં તો કામ નહીં થાય. મોદીજીએ મેક ઈન ઈન્ડિયાની વાત કરી આપણો મુકાબલો ચીન સાથે છે. ચીનની વસ્તી લગભગ આપણા દેશ જેટલી છે. ચીનમાં રોજ પ૦ હજાર યુવાનોને રોજગારી મળે છે જ્યારે હિન્દુસ્તાનમાં મોદીના મેક ઈન ઈન્ડિયામાં ૪પ૦ યુવાનોને રોજગારી મળે છે. ગુજરાતમાં ૩૦ લાખ યુવા બેરોજગારો છે. ગુજરાતમાં રોજગાર નથી. શિક્ષણ, આરોગ્યમાં ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ છે. ગત ૮મી નવેમ્બરના રોજ પ૦૦, ૧૦૦૦ની નોટ રદ કરી દીધી. નાના દુકાનદારો, ખેડૂતો, મધ્યમ વર્ગના લોકો પરેશાન થઈ ગયા. જેઓ ચોર નથી, કાળાં નાણાંવાળા નથી તેઓ તકલીફોનો સામનો કરતાં રહ્યા. કાળું નાણું જમીન ગોલ્ડ અને સ્વીસ બેંકમાં છે. ૩ વર્ષથી કેન્દ્રમાં મોદી સરકાર છે. સ્વીસ બેંકના કેટલાક એકાઉન્ટ હોલ્ડરોને જેલ ભેગા કર્યા છે. વિજય માલ્યા જેવા આજે ઈંગ્લેન્ડમાં જલ્સા કરે છે. જીએસટી ૧૮ ટકાથી વધુ ન હોવી જોઈએ એવું અમે કહ્યું અને અમારા નેતાઓને રજૂઆત કરવા મોકલ્યા કારણ આ ભારતની અર્થવ્યવસ્થાનો પ્રશ્ન હતો. આ ભાજપા-કોંગ્રેસનો પ્રશ્ન ન હતો. મેં જીએસટીને ‘‘ગબ્બરસિંહ ટેક્ષ’’ નામ આપ્યું છે. ‘‘ગબ્બરસિંહ ટેક્ષ’’ એટલે ગરીબ માણસ કામ કરે. પસીનો વહેવડાવે, લોહી બાળે અને તેના પૈસા તેની પાસેથી છીનવી લેવામાં આવે. નાના વેપારીઓ આ ટેક્ષથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગત ૮મી નવેમ્બરે નરેન્દ્ર મોદીજીએ મોટામાં મોટી ભૂલ કરી તેના પરિણામે બે ટકા જીડીપી ઘટી ગઈ. ગુજરાતમાં આ વખતે અન્ડર કરન્ટ વધારે છે. લોકો ચૂપ છે. પણ તેઓએ નિર્ધાર કર્યો છે કે આ વખતે પરિવર્તન લાવવું છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપને કરન્ટ લાગવાનો છે કારણ કે ગુજરાત પૂરા દેશને રસ્તો બતાવે છે. ગુજરાતની જનતામાં ખેડૂતોમાં અને નાના વેપારીઓમાં શક્તિ છે. આ શક્તિનો ઉપયોગ હાલની ભાજપા સરકાર કરી તેનો ફાયદો પાંચ-દસ ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ વિજયી થશે અને કોંગ્રેસની સરકાર બનશે તો આ સરકાર ખેડૂતોની, જનતાની, નાના વેપારીઓની હશે. પાંચ-દસ ઉદ્યોગપતિઓની નહીં હોય. તેમણે મોદી અને જેટલી નિષ્ફળ ગયાનો આક્ષેપ કર્યો હતો તથા ભારતને તેના લોકો અને રાષ્ટ્રના પ્રમાણપત્રની જરૂર છે તેમ જણાવ્યું હતું.
આજની આ સભામાં ઉપસ્થિત ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના માજી મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં વર્તમાન ભાજપા સરકાર પર પ્રહાર કરી રર વર્ષના કુશાસનનો અંત આવશે તેમ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદ અહમદ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, જંબુસરનું નામ ઈતિહાસમાં અંકિત છે. દાંડીયાત્રા વખતે ગાંધીજી સાથે અન્ય નેતાઓ અહીંથી પસાર થયા હતા. અંગ્રેજોએ લાદેલ ગેરકાયદેસર વેરાનો વિરોધ કરતો ઠરાવ પણ સહુ પ્રથમ જંબુસરના લોકોએ કરેલ હતો. તાજેતરમાં પોતાની ઉપર ભાજપા સરકાર દ્વારા થઈ રહેલા આક્ષેપો બાબતે આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, જે લોકો આતંકીઓને કુંદહાર સુધી મૂકી આવે. તેઓ શું આતંકવાદ સામે લડશે ? અંકલેશ્વરની હોસ્પિટલમાંથી ટ્રસ્ટી તરીકે બહુ પહેલાં રાજીનામું આપી દીધું હતું. હોસ્પિટલમાં કામ કરતાં કર્મચારી અહીંયા નોકરી કરતાં પહેલાં સુરતની બે ખાનગી હોસ્પિટલમાં કામ કર્યું હતું. તે પૈકી દોઢ વર્ષ એક ખાનગી હોસ્પિટલમાં કામ કર્યું તેનું ઉદ્દઘાટન હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મને તપાસ એજન્સીઓ પર વિશ્વાસ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતને બરબાદ કર્યું હવે દેશને ત્રણ વર્ષથી બરબાદ કરી રહ્યા છે અને આવા લોકો અમોને રાષ્ટ્રવાદની સમજ આપી રહ્યા છે. પરંતુ તેઓને ખબર નથી. ‘‘હમારા ખૂન ભી સામીલ હૈ રંગે ગુલશન મેં યે વો ખૂન નહીં કે બદલ જાયે લગ જાને બાદ’’.
જંબુસર ખાતે સભા સંબોધ્યા બાદ તેઓ દયાદરા પહોંચ્યા હતા. દયાદરા ખાતે રાહુલ ગાંધીએ જંગી જાહેર સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજથી રર વર્ષ પહેલાં ગુજરાતમાં ભાજપની સરકાર બની હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે લોકોને કહ્યું હતું કે, તમારે ગુજરાતના વિકાસ માટે દુઃખ વેઠવું પડશે, જમીન આપવી પડશે, પાણી આપવું પડશે, ત્યારબાદ વિકાસના ફળસ્વરૂપે તમોને રોજગાર અને સ્વાસ્થ્યને લગતી સેવાઓ મળશે. પરંતુ આજદિન સુધી આ વાયદાઓ પૂરા થયા નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મોદીએ ગુજરાત અને ભારતની જનતાનો ભરોસો તોડ્યો છે. આદિવાસીઓની યોજનાઓના પપ,૦૦૦ કરોડ રૂપિયા ક્યાં ગયા ? માછીમારો માટેની સાગરખેડુ યોજનાના ૧૧૦૦૦ કરોડ રૂપિયા ક્યાં ગયા ? જેવો વેધક સવાલ કરી ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. દરેક ગામમાં આરઓપ્લાન્ટ લગાવવાનો વાયદો કર્યો હતો જે આજદિન સુધી પૂર્ણ થયેલ નથી. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી જેવા લોકો પણ સરકારની વિરૂદ્ધ છે. આ સરકારે ૧પ૦૦૦ સરકારી સ્કૂલો બંધ કરી દીધી છે. નોટબંધી અને જીએસટીને કારણે જીડીપીનો દર સાવ તળિયે બેસી જવા પામ્યો છે. જીએસટી એ કોંગ્રેસનો વિચાર હતો પરંતુ તેમાં ૧૮ ટકાથી વધુ ટેક્ષ ના હતો. જ્યારે આજે સરકાર દ્વારા જે જીએસટી લાગુ કરાયો છે. તેમાં ર૮ ટકા જેટલો અધધ ટેક્ષની જોગવાઈ છે. જેને કારણે આજે વેપારી વર્ગ સરકારના આ નિર્ણયથી નારાજ છે. ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, આ વખતે ગુજરાતના લોકોએ સત્તાનું શુકાન કોંગ્રેસના હાથમાં સોંપવાનું મન બનાવી લીધું છે. આઝાદીની લડાઈમાં ભાજપના કોઈ કાર્યકર્તાની આંગણી પણ કપાઈ નથી તેમ કહી વધુમાં ઉમેર્યું હતું કે તમારી પાર્ટીએ આઝાદી પછી ગાંધીનું નામ કેમ ના લીધું. જો ગાંધીનું નામ લીધું હોત તો આજે તેમની હત્યા ના થઈ હોત. આજે ભારતીય જનતા પક્ષ બોખલાઈ ગયો છે તેમ ગેહલોતે જણાવ્યું હતું. રાહુલ ગાંધીની સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સભા બાદ રાહુલ ગાંધી ભરૂચ તરફ રવાના થયા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.