ગુજરાતનો વિકાસ સાંખી નહીં શકનારા વિરોધીઓએ નર્મદા યોજના વિલંબમાં નાંખી

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
રાજ્યભરમાં ફરનારી નર્મદા મહોત્સવ યાત્રાનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરથી પ્રારંભ કરાવ્યો હતો. નર્મદાના જળને વધાવવા માટે રાજ્યના તમામ ગામોને આવરી લેતી આ નર્મદા યાત્રા આજે તા.૬થી ૧૬ સપ્ટેમ્બર સુધી વધામણા કર્યા બાદ સાંજે કેવડિયા પહોંચશે. આ પ્રસંગે પણ વિરોધ પક્ષ કોંગ્રેસને આડેહાથ લેવાની તક જતી ના કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, નર્મદા યોજનાનો વિરોધ કરનારાઓએ બેધારી નીતિ સાથે યેનકેન પ્રકારે આ યોજના વિલંબમાં મૂકાવા પામી હતી. નર્મદા યોજનાનો પાયો નંખાયો ત્યારથી ૧૯૯પમાં ભાજપને સત્તા મળી ત્યાં સુધી પૂર્વ શાસકોએ માત્રને માત્ર ગુજરાત વિકાસ વિરોધી માનસિકતાથી યેનકેન પ્રકારે યોજના વિલંબિત કરી હતી. વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૧૬ જૂને નર્મદા ડેમના બંધ થયેલ દરવાજાએ ગુજરાતના વિકાસના દ્વાર ખોલી આપ્યા છે. ખેતરે-ખેતરે પહોંચેલા નર્મદાના પાણીથી રાજ્યનો ખેડૂત વિકાસમાં અગ્રેસર બની શકશે. ગુજરાત હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ લેશે. સૌની યોજનાનો સૌથી વધુ રૂપિયા રર૦૦ કરોડનો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને થયો છે. જિલ્લાનો ખેડૂત વર્ષમાં ત્રણ પાક લઈ શકશે અને પ્રત્યેક ગામડા વધુને વધુ સમૃદ્ધ થશે. નર્મદા ડેમના દરવાજા બંધ થવાથી વધારાનું પોણા ચાર ગણું સંગ્રહ કરી શકાશે. જેનાથી સમગ્ર ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખિલશે. સૌની યોજનાથી જ ઢાંકી પમ્પીંગ સ્ટેશન તથા ધોળી ધજા ડેમમાં નર્મદા નીર પહોંચી શકયા છે. આ નર્મદા મહોત્સવ યાત્રાનું વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં તેમના જન્મ દિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરે ડભોઈ ખાતે સમાપન થશે. આ યાત્રા દરમિયાન તા.૧૬-૧૭ સપ્ટેમ્બરે ૧પ જિલ્લાના વિવિધ સ્થળોએ લાઈટીંગનું પણ આયોજન કરાયું છે.

સુરેન્દ્રનગરમાં કોંગી કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ

વઢવાણ, તા.૬
નર્મદા મહોત્સવ યાત્રાનો પ્રારંભ કરાવવા સુરેન્દ્રનગર આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમ સામે કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે વિરોધ દર્શાવી વિકાસ ગાંડો થયો છે ના છાજિયા લઈ રહેલા પ૦ જેટલા કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરતાં સુરેન્દ્રનગરમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર ખાતેથી નર્મદા મહોત્સવ યાત્રાના રથનો પ્રારંભ કરાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાહર ગ્રાઉન્ડ પહોંચે તે પહેલાં જ સુરેન્દ્રનગર શહેરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનો કોંગ્રેસી કાર્યકરો દ્વારા કાળા વાવટા ફરકાવી જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લીધે અફરાતફરી મચી જવા પામી હતી. જ્યારે હાલ જે રીતે સોશિયલ મીડિયા પર વિકાસને લઈને સરકાર સામે જે ટીખળ ચાલી રહી છે તે સંદર્ભે કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિકાસ ગાંડો થયો છે ના છાજિયા લેવાયા હતા. વિરોધ કરી રહેલા પ૦ જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી. સિટી પોલીસ મથકે લવાયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મનુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ચેતનભાઈ ખામર, કમલેશ કોટેચા, બી.કે.પરમાર, અલ્તાફભાઈ સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks