ર૦૦રના કોમી રમખાણો બાદ ર૮મી ફેબ્રુઆરી દર વર્ષે આવે છે ને જાય છે. દેશમાં બનતી જાનહાનિના બનાવો, બળાત્કારની ઘટનાઓ, કોમી-તોફાનો, લૂંટફાંટ, ખૂન-ખરાબી જેવી અનેક ઘટનાઓનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના ન્યાય માટે લોકો રેલીઓ યોજે છે. સભાઓ ગજવે છે. ઉપવાસ પર ઉતરે છે. પ્રદર્શનો કરે છે એમ અનેક લડતો લડે છે. જ્યાં ખૂન-ખરાબી, જાનહાનિ, લૂંટ-ફાટ, બળાત્કાર જેવી બધી જ ઘટનાઓને અંજામ આપીને અમદાવાદના ચમનપુરા સ્થિત ગુલબર્ગ સોસાયટીને ખંડેર બનાવી દેનારા કટ્ટરવાદીઓને સજા મળે તે માટે ન્યાય માટે તેમજ ત્યાંના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા બે-ચાર જૂજ લોકો સિવાય કેટલા લોકો આગળ આવ્યા ??? રેલીઓ યોજાય છે તો શહેરના એવા ભરચક અને સાર્વજનિક સ્થળોએ ગુલબર્ગ સોસાયટી જેવા ઘટના સ્થળોએ, નહીં કે જ્યાંનું સમગ્ર વાતાવરણ આજે પણ ર૮મી ફેબ્રઆરી ર૦૦રના ગોઝારા દિવસને યાદ કરી ચોધાર આંસુએ રડે છે.
એ ગોઝારા દિવસે અહેસાન જાફરીના ઘરે એકઠા થયેલા સોસાયટીના અનેક લોકો હેવાનિયતનો ભોગ બની શહીદ થયા હતા જ્યારે જે લોકો બચ્યાં હતા તે એક એક ટીપા પાણી માટે તરસ્યા હતા. આજે દોઢ-દોઢ દાયકા બાદ પણ અહેસાન જાફરીના બળી ગયા બાદ ખંડેર બની ગયેલા બંગલાના ટેરેસ પર રહેલી ખાલી પાણીની ટાંકી કે જેમાં એ ગોઝારા દિવસે પણ પાણી ન હતું અને આજે પણ પાણી નથી પણ એ શહીદો અને બચી ગયેલા તમામ લોકોની ન્યાય માટેની તરસની જેમ એ ખાલી પાણીની ટાંકી પણ ન્યાય માટે તરસી છે. અને જાણે કે કહેતી હોય તવું નથી લાગતું કે હવે બહુ થયું ? ન્યાય ક્યારે ?