(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસના આરોપીઓની મૃત્યુદંડની સજા કાયમ રાખી એમની અરજી રદ કરી હતી. આ ચુકાદા પછી વૈશ્વિક સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના ભારતીય એકમે કહ્યું કે મૃત્યુદંડની સજા દ્વારા મહિલાઓ સામેના ગુનાઓને રોકી શકાશે નહીં.
એમ્નેસ્ટીના ડાયરેક્ટર અસ્મિતા બાસુએ કહ્યું કે, કમનસીબે મૃત્યુદંડની સજા દ્વારા મહિલાઓ સામેના ગુનાઓને રોકી શકાશે નહીં. એવા કોઈ પુરાવાઓ નથી કે મૃત્યુદંડની સજા જાતિય ગુનાઓ રોકવા માટે કારગર સાબિત થઈ હોય.
એના બદલે સરકારે આ પ્રકારના ગુનાઓ રોકવા અન્ય પગલાંઓ લેવા જોઈએ. હાલમાં અસ્તિત્વ ધરાવતા કાયદાઓનો યોગ્ય રીતે પાલન કરાવવું જોઈએ. વધુ ગુનેગારોને સજાઓ થવી જોઈએ, ગુનાની તપાસો પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ. જેથી લોકોને થાય કે અમને ન્યાય મળશે. કાયદામાં સુધારાઓ માટે જજ વર્મા કમિટીની ભલામણોને ધ્યાનમાં લેવામાં આવે છે એમણે પણ કહ્યું હતું કે, બળાત્કારના ગુનાઓને રોકવા ફાંસીનો વિકલ્પ યોગ્ય નથી. આ વર્ષના એપ્રિલ મહિનામાં સરકારે ૧ર વર્ષથી ઓછી વયની છોકરીઓ ઉપર બળાત્કાર કરનારાઓને ફાંસીની સજાની જાહેરાત કરી હતી. બાસુએ કહ્યું કે, ભારતની સરકારો ગુનાઓને રોકવા મૃત્યુદંડના હથિયારને પૂરતું ગણે છે. એમનું માનવું છે કે અમે મૃત્યુદંડની જોગવાઈ કરી હવે અમારૂં કાર્ય પૂરું થયું અને પ્રશ્ન ઉકેલાઈ ગયો પણ આ પ્રકારનું અભિગમ યોગ્ય નથી. સરકાર ગુનાઓને રોકવા માટે અસરકારક પગલાં લેતી નથી. કારણ કે એમને મુશ્કેલ દેખાય છે. સરકારે પીડિતોને પણ મદદ કરવી જોઈએ. પણ સરકાર આ પગલાંઓ લેતી નથી.