(એજન્સી) થ્રિસુર, તા.૧૪
કેરળના થ્રિસુરમાં મંગળવારે આરએસએસના ર૮ વર્ષીય કાર્યકર્તાની હત્યામાં દોષિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારના રોજ આરએસએસ કાર્યકર આનંદ જ્યારે પોતાના ઘર નજીકથી મિત્ર સાથે બાઈક પર નીકળ્યો ત્યારે ત્રણ માણસના જૂથ દ્વારા તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પહેલાં તેમની કાર આનંદની બાઈક સાથે અથડાવી અને પછી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી. પોલીસે આ હત્યાના કેસમાં જીતેશ, કાર્તિક અને ફૈઝ નામના ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. જો કે, અત્યાર સુધી આ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અમે આ હત્યાના કેસમાં સંડોવાયેલ શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ઓળખ પરેડ ચાલુ છે. એકવાર સંબંધિત બાબત ચોક્કસ થઈ જાય પછી કેસ નોંધવામાં આવશે. પોલીસે જણાવ્યું કે, આરએસએસ કાર્યકર આનંદ ત્રણ વર્ષ પહેલાં સીપીએમ કાર્યકર્તાની હત્યામાં સંડોવાયેલ બે આરોપીઓમાંથી એક છે તે અત્યારે જામીન પર બહાર હતો.