Site icon Gujarat Today

૩૭૦ કલમ દૂર કરવાની વાતો કરનારી ભાજપ ગુજરાતીઓને જ ગુજરાતમાં મિલકત ખરીદતાં અટકાવશે

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન અશાંત ધારામાં સુધારો કરતો વિધેયક સોમવારે ચર્ચામાં આવ્યું હતું જેમાં શાસક અને વિપક્ષના સભ્યોએ સામસામે આક્ષેપો કર્યા હતા ત્યારે વિપક્ષના સભ્યોએ ચર્ચામાં જણાવેલું કે છેલ્લા ર, વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને શાંતિ અને સલામતીના સરકાર દાવા કરી રહી છે તો ખરેખરમાં ગુજરાતમાં શાંતિ હોય તો સરકારને અશાંત ધારાની સુધારાની જરૂર કેમ પડી ? તેનો મતલબ સીધો થાય છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે જ્યારે શાસક પક્ષે જણાવેલું કે અશાંત ધારામાં સુધારો કરવાથી હવે મલિન ઈરાદાવાળા વ્યક્તિઓ જે સમાજની શાંતિમાં ખલેલ પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે તે ચોક્કસ નિષ્ફળ જશે.
ગુજરાત અશાંત વિસ્તારોમાંથી સ્થાવર મિલકતની તબદિલી ઉપર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવાની જોગવાઈ કરવાના સુધારા વિદ્યેયકની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ર૪ વર્ષથી ભાજપ સરકારનું શાસન છે. જ્યારે જ્યારે ચૂંટણી આવી ત્યારે ભાજપ દ્વારા એવો પ્રચાર કરવામાં આવે છે કે, શહેરમાં કરફ્યુ એ ભૂતકાળના દિવસો થઈ ગયા છે. જો શહેરમાં સુલેહ શાંતિનો માહોલ હોય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી હોય તો અશાંત ધારાની જરૂરિયાત ઊભી જ કેમ થઈ ? સરકારે ગૃહમાં જાહેર કરવું જોઈએ કે અશાંત ધારાના કાયદાનો ભંગ કરી કેટલી મિલકતો તબદીલ થઈ ? ખરેખર ગેરકાયદે મિલકતો તબદીલ થઈ રહી છે કે સરકાર માત્ર આંકડાઓની માયાજાળ રચી છે. અશાંત વિસ્તારોમાં જબરજસ્તી દસ્તાવેજ કરાવી લેવાતા હોય તો પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. કોઈપણ કાયદો પ્રમાણિક અને નિર્દોષ વ્યક્તિના દંડનારો હોઈ શકે નહીં. અશાંત ધારો હોય તે વિસ્તારમાં શાંતી હોય તો ત્યાંથી આ ધારો વિડ્રો કરવો જોઈએ. ફકત લોકોને ભય બતાવીને રાજનીતિ કરવી જોઈએ નહીં. ધાક-ધમકી આપતા તત્ત્વો સામે કડક પગલાં ભરવા જોઈએ. શાંતિ પ્રવર્તી રહી હોવાનું સરકાર કહે છે તો અશાંત ધારો નાબૂદ થવો જોઈએ. એમ ગ્યાસુદ્દીન શેખે કહ્યું હતું. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે, રાજ્ય સરકાર રાજ્યમાં તમામ તહેવારો શાંતિ અને સલામતીથી ઉજવાતા હોવાના દાવા કરે છે ત્યારે સરકારે અશાંત ધારાનું બિલ લાવવું જોઈએ. અશાંત ધારા હેઠળ સરકાર કોઈપણ વ્યક્તિને તેનું મકાન વેચતા રોકવાનું કામ કરે છે તેનાથી માનવ અધિકારનું હનન થાય છે. અશાંત ધારાની વાતો વચ્ચે મારે કહેવું છે કે, મકાન ખરીદવા જનારા એક જ સમુદાયના લોકોને મકાન આપતા નથી. અશાંત ધારાના લીધે લોન મળતી નથી. આ સમસ્યાઓ ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ૧૯૯૧માં જ્યારે અશાંત ધારાનો કરવામાં આવ્યો ત્યારે કેટલી સમય મર્યાદા માટે આ કાયદો અમલમાં રહેશે તે નક્કી કરવામાં આવ્યું ન હતું. ગુજરાતમાં એખલાસનું વાતાવરણ હોય તો સરકાર આજ નવા અશાંત વિસ્તારો કેમ જાહેર કરે છે ? અમદાવાદના અડધા કરતાં વધારે શહેરી વિસ્તારોને સરકારે ડીસ્ટર્બ એરિયા કેમ જાહેર કર્યા ? તેનો સીધો મતલબ એ છે કે સરકારના શાંતિના દાવા ખોટા છે. એક તરફ ભાજપ કાશ્મીરમાં ૩૭૦ની કલમ દૂર કરવાની વાત કરે છે તેનાથી ઉલ્ટું ગુજરાત સરકાર અશાંત ધારા સુધારા વિધેયકથી ગુજરાતના નાગરિકને જ પોતાના રાજ્યમાં મિલકત ખરીદી ના શકે તેવું કરવા માંગે છે ત્યારે સરકારની આવી બે ધારી નીતિ વડાપ્રધાનના નવા સૂત્ર સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સાથે મેચ થતી નથી. અશાંત ધારાનો કાયદો સિવિલ કાયદો છે ત્યારે કેદની સજા અને દંડની જોગવાઈ કરવી વાજબી નથી એમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું.

Exit mobile version