અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગુરૂવારના રોજ લુણાવાડા જઈ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સાજીદ જમાલ ઉર્ફે રાબડીના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.
લુણાવાડા, તા.ર૩
ગત શનિવારના રોજ પોલીસની એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સાજીદ જમાલ ઉર્ફે રાબડીના પરિવારજનોની અમદાવાદના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ મુલાકાત લઈ દિલાસો પાઠવ્યો હતો. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ગત શનિવારના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ સાજીદના મોત બાદ લુણાવાડામાં અંજપા ભરી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ અંગે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજમાં ઘેરા પડઘા પડ્યા હતા. દરમિયાન આજરોજ બપોરના એક વાગ્યાના સુમારે ગુજરાતના મુસ્લિમોના લોકલાડીલા નેતા અને સમાજમાં આદરભર્યું સ્થાન ધરાવતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પોલીસનેટ ગોળીનો ભોગ બનનાર સાજીદના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, સાજીદને ન્યાય અપાવવા માટે જેવી રીતે જોઈશે એવી રીતે મદદ કરવા તૈયાર છે તેવું આશ્વાસન આપી તેમને ધીરજ રાખવા અનુરોધ કર્યો હતો. લુણાવાડાના આગેવાનોએ પણ સરકાર સમક્ષ વાત કરવાની માગ કરી હતી. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, આ ઘટના એકમાત્ર સાજીદની નથી પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજની છે. આપણે સમગ્ર મુસ્લિમ પ્રજા માટે લડવાનું છે અને એકબીજાના ટાંટ્યિા ખેંચ્યા વગર એકબીજાને સાથ સહકાર આપી કામ કરશો તો ઈન્શાઅલ્લાહ આપણને ન્યાય મળશે જ. ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, સાજીદ ફક્ત એક મામૂલી ચોર હતો જે આપણે માનીએ છીએ અને પોલીસને કાયદાકીય રીતે કામ કરવું જોઈતું હતું. ગોળી મારી મારી નાખવાની બાબત અન્યાયી છે અને આ માટે આપણે ભેગા મળીને લડત આપવાની છે અને સાજીદના ઘરવાળાઓને ન્યાય અપાવવાનો છે. જેથી ફરી આવું પગલું ભરતાં પહેલાં વિચાર કરે. ગુજરાતના ધારાસભ્યો આવવાની વાત કાને પડતાની સાથે જ લુણાવાડાના યુવાનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા સાથે ફોટા પડાવવા માટે પડાપડી કરી હતી. સાજીદની બહેનને મળતા તેની બહેને ફક્ત સાજીદને પાછો લાવો અથવા તો ઈન્સાફ અપાવો, અમારે કોઈ રૂપિયા નથી જોઈતા અને અત્યારસુધી અમે અમારા ભાઈના પાસેથી રૂપિયા લીધા પણ નથી તેમ જણાવ્યું હતું. તેના પિતાએ, માતાએ કે બહેન-ભાઈએ અત્યારસુધી તેના રૂપિયા લીધા નથી કે વાપર્યા નથી.