મુસ્લિમ સમાજમાં ઘટતી જતી ધાર્મિક ભાવનાને લીધે યુવતીઓના આંતરધર્મીય લગ્નોમાં ઉછાળો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
મુસ્લિમ પરિવારોમાં દિન-પ્રતિદિન ઘટતો જતો દીની માહોલ, ઘરના વડીલો અને પરિવાર દ્વારા યુવાનો અને યુવતીઓ પ્રત્યે સેવાતી નિષ્કાળજી, યોગ્ય સારસંભાળનો અભાવ, સ્માર્ટફોન, સોશિયલ મીડિયાનો દુરૂપયોગ, ઈન્ટરનેટ પર ઉપલબ્ધ બિભત્સ ફિલ્મો, ટીવી સીરિયલો, બિભત્સ વાંચન સામગ્રીથી ભરેલા અખબારો જેવા અનેક કારણોને લીધે છેલ્લા કેટલાક વર્ષોથી મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓના આંતરધર્મી યુવકો સાથે પ્રેમ લગ્ન તથા લીવ એન્ડ રિલેશનશીપના કિસ્સામાં ચોંકાવનારી રીતે વધારો થયો છે.
સૌથી દુઃખદ અને ગંભીર બાબત એ છે કે પવિત્ર રમઝાન મહિનામાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં ધર્મપરિવર્તન કરી આંતરધર્મી લગ્ન કરવા ૧૦થી વધુ મુસ્લિમ યુવતીઓ દ્વારા રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાના કિસ્સા સામે આવ્યા છે, સાથે સાથે ૭થી વધુ લીવ એન્ડ રિલેશનશીપના કિસ્સા પણ સામે આવ્યા છે. આનાથી ફલિત થાય છે કે, ગુજરાતના છેવાડાના નાના શહેરો, જિલ્લા અને તાલુકાઓમાં કેટલી ભયંકર પરિસ્થિતિ હશે તે કલ્પના બહારનો વિષય છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના જણાવ્યા મુજબ મારા સહિત સમાજના જાગૃત લોકોની જાણ પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓના આંતરધર્મી યુવકો સાથે પ્રેમ તથા લગ્ન કરવાના કિસ્સા વધી ગયા છે. સમાજના જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર મોબાઈલના માધ્યમથી મુસ્લિમ યુવતી અથવા મહિલાનું ગેરમુસ્લિમ યુવક સાથે લગ્નનું રજિસ્ટ્રેશન થયું એવી પોસ્ટ નિયમિત આવી રહી છે. ગેરમુસ્લિમ સાથે લગ્ન માટેનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની હદ સુધી જવા વાળી કિશોરાવસ્થાની યુવતીઓની સાથે પુખ્ત વયની સ્ત્રીઓનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે. આ પરિસ્થિતિ માત્ર એક કે બે શહેર પૂરતી મર્યાદિત નથી પરંતુ દરેક રાજ્યના અન્ય નાના શહેર, જિલ્લા અને તાલુકાના ગામડાઓમાં પણ આનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે.
ધાર્મિક સંસ્થાઓ, એનજીઓ અને સમાજસેવી સંસ્થાઓ પોતાની ફરજ સમજી સમયનો સદુપયોગ કરી સમાજમાં પેદા થયેલ બદીને જેટલું થઈ શકે તેટલા રોકવાના અથાગ પ્રયત્નો કરી પોતાની ફરજ નિભાવે જ છે અને કેટલાક કિસ્સાઓમાં એમણે સફળતા પણ મેળવી છે. પરંતુ હવે સામૂહિક રીતે ગંભીરતાપૂર્વક આ સંવેદનશીલ બાબતે સમાજમાં જાગૃતતા લાવવા વ્યાપક ચર્ચા અને સંશોધન કરવાનો સમય પાકી ગયો છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે મુસ્લિમોને ધાર્મિક અને સામાજિક માર્ગદર્શન આપવા માટે સમાજના ધાર્મિક, સામાજિક આગેવાનો અને એનજીઓએ આગળ આવી સમાજ પ્રત્યે જવાબદાર ગુજરાત ટુડે અખબાર તથા સોશિયલ મીડિયા દ્વારા સમાજને જાગૃત કરવા અભિયાન ચલાવવું પડશે.
એવું નથી કે મજબૂરીથી ફક્ત પૈસા માટે અભણ, નાસમજ, ગરીબ યુવતીઓ અને મહિલાઓ ગેરમુસ્લિમ સાથે લગ્ન માટેનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરે છે પરંતુ પૈસે ટકે સમૃદ્ધ સુખી સંપન્ન પરિવારની યુવતીઓ, મહિલાઓ, હાયર એજ્યુકેશન ધરાવતી, સરકારી તેમજ પ્રાઈવેટ જોબ કરતી યુવતીઓ અને મહિલાઓ પણ આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરી પોતાનું સમગ્ર જીવન અને આખેરત બરબાદ કરી રહી છે.
મુસ્લિમોની કોઈ જ્ઞાતિ, સમાજ, જમાત કે નાત એવી નથી કે જેની કોઈ યુવતી કે મહિલા દ્વારા આવું ખોટું પગલું ભરવામાં ન આવ્યું હોય અને આવા ખરાબ કાંડનો ભોગ ન બની હોય. પહેલા એવો સમય હતો કે મુસ્લિમ યુવતી કે મહિલાનું નામ લેવું તો દૂરની વાત હતી પણ ભૂલથી પણ જો કોઈ પર પુરૂષની નજર પડી જતી તો તેને કંપારી છૂટી જતી અને તેની ફરિયાદ તેના મા-બાપને કરતી હતી.
પોતાની દીકરી ગમે તેટલી સારી હોય છતાં ઘરના જવાબદાર સભ્ય સાથે જ સ્કૂલ કોલેજમાં મોકલવી, પરિવારની દીકરીઓ પ્રત્યે યોગ્ય કાળજી રાખવાનો અભાવ, સમાજમાં મોર્ડન અને એડવાન્સ દેખાવવાની મુર્ખાઈ, વર્તમાન પરિસ્થિતિના નિર્માણ માટે મહિલાઓની પ્રાઈવેટ ઓફિસો, કોલ સેન્ટરો તથા મોલમાં નોકરીઓ, યુવતીઓના સહકર્મી તથા અજાણ્યા યુવકો સાથેના સંબંધોને ગંભીરતાથી ના લઈ નજર અંદાજ કરવા, પરિવારના પુરૂષ સભ્યો દ્વારા ફક્ત પોતાના ધંધા કારોબારમાં જ સમય આપવાના મુખ્ય કારણો પણ જવાબદાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks