National

હાદિયા પોતાના પતિને વાલી બનાવવા માગતી હતી, સુપ્રીમના જજનો ઇન્કાર

નવી દિલ્હી, તા. ૨૮
સુપ્રીમ કોર્ટના જજે સોમવારે હાદિયાની તેના પતિને વાલી તરીકે રાખવાની અરજી એમ કહીને ફગાવી દીધી હતી કે, પત્ની કોઇ માલમત્તા નથી. મુુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાંવલિકર અને ડીવાય ચંદ્રચૂડની બેંચે હાદિયા સાથે આશરે અડધો કકાલ સુધી વાત કરી હતી અને તેનાજીવન, મહત્વકાંક્ષા, અભ્યાસ તથા શોખ વિશે સવાલો પુછ્યા હતા. હાદિયાએ સુપ્રીમને કહ્યું હતું મારે આઝાદી જોઇએ છે અને પતિ સાથે રહેવા માગે છે, તેણે ઇસ્લામ કબૂલ કર્યો છે અને તે સારી રીતે જાણે છે કે, તે શું કરી રહી છે. જ્યારે બેંચે તેને તામિલનાડુની સાલેમ કોલેજમાં કે તેની નજીક વાલી તરીકે કોઇને ઓળખતી હોય અથવા કોઇ સગા હોય તેનું નામ દર્શાવવા કહ્યંુ ત્યારે હાદિયાએ કહ્યું કે, તેનો પતિ જ તેનો વાલી હોઇ શકે અને આ કેસમાં અન્ય કોઇની ભૂમિકા માગતી નથી.
દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, એક પત્નીનો વાલી પતિ ન હોઇ શકે. પત્ની કોઇ મિલકત નથી. તેની સમાજ અને જીવનમાં પોતાની ઓળખ હોય છે, એટલે સુધી કે હું પણ મારી પત્નીનો વાલી નથી. આ વાતનો સમજો. બેંચ હાદિયાને અંગ્રેજીમાં પ્રશ્નો પુછી રહી હતી જ્યારે હાદિયા તેના જવાબો મલયાલમ ભાષામાં આપી રહી હતી. હાદિયાના જવાબોને જજો સંભળાવવા માટે કેરળ સરકાર તરફથી હાજર રહેલા વકીલ વી ગિરિ અનુવાદ કરી જણાવી રહ્યા હતા. જ્યારે જજોએ હાદિયાને પુછ્યું કે, તમારા ભવિષ્ય માટે સપના શુ છે ત્યારે તેણે કહ્યું કે, હું આઝાદી માગું છું અને મારા પતિ સાથે રહેવા માગુ છું. ત્યારે બેંચે કહ્યું કે, જો તે પોતાની માન્યતામાં બંધબેસે છે અને સારી રીતે ભણવા માગે છે તો તેનો કહો કે, એક સારી નાગરિક બને. તે પોતાનું કાર્ય કરી શકે છે અને સારી ડોક્ટર બની શકે છે. ત્યારે હાદિયાએ જણાવ્યંુ કે, તે પોતાના કામ માટે આઝાદી માગે છે અને તે જે કરી રહી છે તે માટે સંપૂર્ણ સજાગ છે. બેંચે ત્યારબાદ કહ્યું કે, જો તે પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માગે છે અને હાઉસ સર્જનશિપમાં ઇન્ટર્નશિપ કરવા માગે છેતો તેનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. જોકે, હાદિયાએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, તે પોતાનો અભ્યાસ પુરો કરવા માગે છે પરંતુ રાજ્ય સરકારના ખર્ચે નહીં, તેનો પતિ આ ખર્ચ ઉપાડી શકે છે.

હાદિયા કેસ : ખોટા સમાચાર અથવા ગેરમાર્ગે દોરાયેલ
રોષ કોર્ટના આદેશમાં કુલપતિને વાલીપણું અપાયેલ નથી


(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
સુપ્રીમ કોર્ટના હદિયાને સેલમના મેડિકલ કોલેજમાં મોકલવાના આદેશ પછી એ પ્રકારના સમાચારો વહેતા મૂકાયા હતા કે કોર્ટે હદિયાના વાલીપણાના અધિકારો કોલેજના ડીનને આપ્યા છે પણ સુપ્રીમ કોર્ટના આદેશમાં આ પ્રકારનો કોઈ ઉલ્લેખ જ નથી. જેમાં કોર્ટે એમના પતિ અથવા પિતાને બાજુએ મૂકી કોલેજના ડીનને વાલી તરીકે નિમણૂક કરી હોય.
બધી જ મીડિયા સંસ્થાઓ એ જ પ્રકારના સમાચારો આપતી હતી કે હદિયાએ પોતાના પતિને પોતાનો વાલી નિમણૂક કરવા કોર્ટને વિનંતી કરી હતી પણ કોર્ટે કોલેજના ડીનને વાલી બનાવ્યો છે. કોર્ટના આદેશનો બારીકાઈથી અભ્યાસ કરતાં જણાયું છે કે બધા લોકો અને મીડિયા ગેરમાર્ગે દોરાયા છે. કોર્ટે ડીનને હદિયાના વાલી તરીકે નિમણૂક કરી જ નથી. આદેશમાં જણાવાયું છે કે એ હોસ્ટેલના નીતિ નિયમો મુજબ રહેશે અને જો કોઈ પ્રશ્ન થાય તો ડીન કોર્ટનો ધ્યાન દોરશે. કોઈપણ પ્રશ્નનો અર્થ કોલેજના અભ્યાસ અથવા હોસ્ટેલના નીતિ નિયમો મુજબ ઉપસ્થિત થનાર પ્રશ્નો છે નહીં કે અંગત જીવનના પ્રશ્નોમાં ડીનની નિમણૂક કરાઈ છે. વાલીપણા બાબતના સમાચારો કોર્ટમાં હદિયાને પૂછાયેલા પ્રશ્નોના આધારે ઘડી લેવામાં આવ્યા હતા. કોર્ટે હાદિયાને અંગત જીવન બાબત બધા પ્રશ્નો પૂછ્યા હતા. ધર્મ, અભ્યાસ, અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ બાબત બધા જ પ્રશ્નો કર્યા હતા જેનો જવાબ હદિયાએ આપ્યો હતો. કોર્ટે ધર્મ બાબત પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં હદિયાએ કહ્યું કે એ ઈસ્લામ ધર્મને પાળશે અને સ્પષ્ટ રીતે કહ્યું હું જે કરી રહી છું એની મને ખબર અને સમજ છે. કોર્ટે હદિયાને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછ્યા હતા જેનો જવાબ હદિયાએ મલયાલમમાં આપ્યું હતું. જે અનુવાદ કરી જજોને બતાવ્યું હતું. ભવિષ્ય બાબતની યોજનાઓ બાબત કોર્ટે પૂછતા હદિયાએ કહ્યું કે એ પોતાના પતિ સાથે રહેવા ઈચ્છે છે.

હું મારા પતિને મળવા ઈચ્છું છું; દિલ્હી
છોડતી વખતે હાદિયાએ કહ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
કેરળના લવજીહાદ કેસની અખિલા ઉર્ફે હદિયા જેમણે ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે એમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાંથી પરવાનગી મેળવ્યા પછી હું મારા પતિને મળવા ઈચ્છું છું. ગઈકાલે હદિયાને એમના વાલીઓમાંથી મુક્ત કરાવવામાં આવ્યું હતું. જે એના લગ્નની વિરૂદ્ધ હતા. એમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે હદિયાને ફોસલાવી ધર્મ પરિવર્તન કરાયું છે અને ત્રાસવાદ માટે ઉપયોગ કરવા એના લગ્ન કરાવાયા છે. હદિયાએ દિલ્હી એરપોર્ટ ઉપર જણાવ્યું કે હું હવે સેલમ જઈ રહી છું અને હું મારા પતિ સાથે ત્યાં મળી શકીશ. સુપ્રીમ કોર્ટના આદેશથી એને ભણવા માટે પરવાનગી અપાઈ છે પણ કોર્ટે એના લગ્ન સંદર્ભે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. વકીલે જણાવ્યુંં કે કોર્ટના ચુકાદાનો અર્થ એ થાય છે કે એ પોતાના પતિ સાથે કોલેજ હોસ્ટેલમાં મળી શકે છે. કેરાલા હાઈકોર્ટે એમના લગ્ન રદ કરી હદિયાને એના પિતાના ઘરે મોકલવા આદેશ કર્યો હતો જે આદેશને હદિયાના પતિ શાફિન જ્હાંએ પડકાર્યો હતો. પોતાના પિતાના ઘરે ૬ મહિના રહ્યા પછી હદિયાએ કોર્ટને જણાવ્યું કે મને મુક્ત કરવામાં આવે અને હું પોતાના પતિ સાથે રહેવા માંગું છું. હદિયાએ કહ્યું કે હું પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા ઈચ્છું છું, મેં મારા માતા-પિતાના ઘરમાં ઘણો માનસિક ત્રાસ ભોગવ્યો છે. હું ત્યાં જવા ઈચ્છતી નથી અને પતિ સાથે જવા ઈચ્છું છું.
જ્યારે હદિયાએ કોર્ટ સમક્ષ જઈને કહ્યું કે મારા રખેવાળ તરીકે મારા પતિની નિમણૂક કરવામાં આવે ત્યારે જજે ઈન્કાર કરતાં કહ્યું કે પતિ પત્નીનો રખેવાળ બની શકે નહીં. એક પત્ની કોઈ મિલકત નથી. એની પોતાની આગવી ઓળખ સમાજમાં અને જીવનમાં છે. હું પણ મારી પત્નીનો રખેવાળ નથી. આ વાત હદિયાને સમજાવો. જજ ચંદ્રચૂડે કહ્યું.
હદિયાના પિતાએ કહ્યું કે કેસ પત્યો નથી. અમોએ ક્યારે પણ પુત્રીને ત્રાસ આપ્યો નથી. હવે હું મારી પુત્રીની સુરક્ષા બાબત ચિંતિત નથી કારણ કે એ સુપ્રીમ કોર્ટની નિગરાની હેઠળ છે. હદિયાના પિતાએ આક્ષેપો કરતાં એમના લગ્નની તપાસ એનઆઈએ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં હાદિયાની જુબાની શરૂ થતાં હાદિયાના પતિનું નિવેદન : અમારી સામાન્ય પ્રેમ કથા બિહામણાં યુદ્ધમાં પલટાઈ ગઈ છે


(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૭
કેરળની એક હિન્દુ યુવતીએ ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ સ્વીકાર્યું છે. હાલ એ પોતાના અધિકારો માટે પોતાના માતા-પિતા સામે લડી રહી છે. એ પોતાના મુસ્લિમ પતિ સાથે રહેવા માંગે છે. હાદિયાના પિતાના વકીલે કહ્યું કે એ પોતાની સ્વતંત્ર માનસિક પરિસ્થિતિમાં નથી. એમની ઉપર ભારે દબાણ કરી ફોસલાવવામાં આવી છે. હાદિયાએ કોચી એરપોર્ટ ઉપર મીડિયાને કહ્યું કે એ પોતાના પતિ શાહીન જહાં સાથે રહેવા માંગે છે અને એના માટે એક વયસ્ક હોવાના લીધે પોતાના અધિકાર માટે લડે છે. સુપ્રીમકોર્ટમાં આજે સુનાવણી થશે. એમની સાથે ત્રણ મહિલા પોલીસ અને બે પુરૂષ પોલીસો હતા. દિલ્હીમાં એમને કેરળ હાઉસમાં રાખવામાં આવશે. હાદિયાના પિતાના વકીલે રઘુનાથને જણાવ્યું કે, હાદિયા દ્વારા અપાયેલ કોઈ પણ નિવેદન સ્વીકારી શકાય નહીં. એની પાસે પોતાની સ્વતંત્ર બુદ્ધિ નથી. એનું બ્રેઈન વોશ કરાયું છે. જ્યારે એ પોતાના માનસિક અપહરણમાંથી મુક્ત થાય ત્યારે જ એના નિવેદનો સ્વીકારી શકાય. હાલ એ એના પિતાના કબજામાં છે. રઘુનાથે કહ્યું કે જો હાઈકોર્ટે લગ્ન રદ કરવાનો આદેશ નહીં આપ્યો હોત તો હાદિયા આજે સીરિયા કે અફઘાનિસ્તાનમાં હોત. સુપ્રીમકોર્ટે ૩૦મી ઓક્ટોબરે હાદિયાના પિતાને જણાવ્યું હતું કે હાદિયાની ઈચ્છા જાણવા એને ર૭મી નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવે. બુધવારે સુપ્રીમકોર્ટે વકીલ દ્વારા બંધ બારણે સુનાવણીની અરજી નકારતા જણાવ્યું હતું કે એ નિર્ણય પણ એ જ દિવસે કરાશે. હાઈકોર્ટે હાદિયાના લગ્ન રદ કરતા હાદિયાના પતિએ હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી છે જેની આજે સુનાવણી થશે.

હાદિયાના પિતાએ સુપ્રીમ કોર્ટના
ચુકાદાનું સ્વાગત કર્યું, જણાવ્યું કે
મારા કુટુંબમાં ત્રાસવાદી ન હોઈ શકે


(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
કેરળના વિવાદિત લવજીહાદના કેસમાં કેરળની મહિલા હદિયાના પિતાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સ્વાગત કર્યો છે. સુપ્રીમ કોર્ટે હદિયાને ભણવા માટે કોલેજ જવા જણાવ્યું છે, હદિયાના પિતાએ કહ્યું હું કુટુંબમાં ત્રાસવાદીની હાજરી ઈચ્છતો નથી. હદિયાના પિતા કે.એમ. અશોકને કહ્યું મારી પુત્રી ધર્મ પરિવર્તન કરી સીરિયા જવા માગતી હતી પણ ખબર નથી કે ત્યાં શું પરિસ્થિતિ છે. એમને આંતરધર્મી લગ્ન સંદર્ભે પૂછતા એમણે કહ્યું કે હું એક જ ધર્મ અને અને એક જ ભગવાનને માનું છું. સોમવારે સુપ્રીમ કોર્ટે હદિયાને એમના વાલીઓના કબજામાંથી મુક્ત કર્યું હતું અને ભણવા માટે સેલમની કોલેજમાં મોકલવા આદેશ કર્યો હતો. જો કે એમણે કોર્ટ સમક્ષ વિનંતી કરી કે એ પોતાના પતિ શાફિન જ્હાં સાથે જવા ઈચ્છે છે. અશોકને કહ્યું કે મને દુઃખ છે કે મારી પુત્રીને ખરાબ અનુભવોમાંથી પસાર થવું પડ્યું જેથી એનો અભ્યાસ પણ બગડ્યો પણ એને ભણવાની પરવાનગી આપી છે તેથી હું પ્રસન્ન છું. એમણે એ પ્રકારના આક્ષેપોનો ઈન્કાર કર્યો જેમાં કહેવાતું હતું કે એમણે પોતાની પુત્રીને નજરકેદમાં રાખી હતી. અમારા ઘરની અંદર અને બહાર પોલીસનો પહેરો હતો. અશોકન સેલમમાં હદિયાની સુરક્ષા બાબત ચિંતિત નથી કારણ કે કે હવે હદિયા સુપ્રીમ કોર્ટની નિગરાની હેઠળ છે. એમણે કહ્યું કે કોર્ટના આદેશ મુજબ જ્યારે મને યોગ્ય લાગશે હું સેલમ જઈ પોતાની પુત્રી સાથે મળીશ. હદિયા પોલીસ પહેરા હેઠળ સેલમ જવા રવાના થઈ હતી. ગઈકાલે કોર્ટે હદિયા સાથે કોર્ટમાં અડધો કલકા સંવાદ કર્યો હતો. કોર્ટે એ પછી કેરળ પોલીસને સૂચના આપી કે એમને સુરક્ષા સાથે સેલમ લઈ જવામાં આવે. બેંચે હદિયાને પૂછ્યું હતું કે એ વ્યક્તિનું નામ આપે જે એની કાળજી લઈ શકે. હદિયાએ કહ્યું કે મને આના માટે મારા પતિની ભૂમિકા જોઈએ છે. એમણે કહ્યું કે મારા અભ્યાસનું ખર્ચ મારા પતિ કરશે મને સરકારની મદદ આ માટે નહીં જોઈએ.