National

હાદિયા ઉર્ફે અકિલાને ઇસ્લામ અંગિકાર કરવા દબાણ કરાયું નથી : સીબીઆઇ

થિરૂવનંતપુરમ, તા. ૯
હાદિયા કેસમાં તપાક કરી રહેલી સીબીઆઇએ આજે મહત્વનો ખુલાસો કરતા જણાવ્યંુ હતું કે, હાદિયા ઉર્ફે અકિલાને કોઇ દબાણ કરાયું નથી અને ઇસ્લામ અંગિકાર કરવાનો નિર્ણય તેનો પોતાનો છે. અહેવાલો અનુસાર ક્રાઇમ બ્રાન્ચના એસપી સંતોષકુમારની અધ્યક્ષતામાં તપાસ કરી રહેલી ટીમે ક્રાઇમ બ્રાન્ચના ડીજીપી એ હેમચંદ્રનને રિપોર્ટ સુપરત કરી દીધો છે. રિપોર્ટમાં જણાવ્યંુ છે કે, હાદિયાએ બળજબરીથી ધર્માંતરણ કરાયાનો ઇન્કાર કર્યો છે અને તેણે આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, તેને ધર્મ પરિવર્તન કરાવવા કે આમાં કોઇ આતંકવાદી સંડોવણીના કોઇ પુરાવા મળ્યા નથી. શનિવારે કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી એનઆઇએની તપાસનો વિરોધ કર્યો હતો. એફિડેવિટમાં એવું પણ દર્શાવાયું છે કે, રાજ્ય સરકાર કેસમાં અસરકારક તપાસ બદલ કેરળ પોલીસથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે. હાદિયાનું અંગત જીવન ત્યારે રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો જ્યારે કેરળ હાઇકોર્ટ તેના શફીન જહાં સાથેના લગ્નને રદબાતલ કર્યા હતા અને આદેશ આપ્યો હતો કે, તેને તેના માતા-પિતાની કસ્ટડીમાં સોંપી દેવામાં આવે. ૨૪ વર્ષની હાદિયાએ ડિસેમ્બર ૨૦૧૬માં શફીન જહાં સાથે લગ્ન કર્યા હતા. હાદિયાના પિતાએ કહ્યું હતું કે, તેમની પુત્રી નિઃસહાય પીડિતા છે અને એક રેકેટ તરીકે ફસાવી ઇસ્લામ કબૂલ કરાવવાની પ્રવૃત્તિ છે. હાઇકોર્ટના આદેશ સામે જહાં સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને જણાવ્યંુ હતું કે, આ કૃત્ય ભારતની મહિલાની સ્વતંત્રતાનું અપમાન છે. જહાંએ દાવો કર્યો હતો કે, કેરળમાં હાદિયા હોમિયોપેથીની વિદ્યાર્થીની હતી. લગ્નના બે વર્ષ પહેલા તેણે પોતાની મરજીથી ઇસ્લામ કબૂલ કર્યો હતો અને હાદિયાના પિતાને તેને કોર્ટ સમક્ષ લાવવા આદેશ કરવાની માગ કરી હતી.