અમદાવાદ, તા.૧૮
અમદાવાદ શહેરમાં જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના વિવિધ છ ઝોનમાં આવેલા કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે આ રસ્તાઓ મેયરે એક અઠવાડિયામા તો સ્ટેન્ડિંગ ચેરમેને રાતમાં જ ૫૭ કિલોમીટરના રસ્તાઓ રસ્તાઓ રીસરફેસ થઈ જશે એવી શેખી મારી હતી પરંતુ આ બંને દ્વારા મારવામા આવેલી બડાશો પછી પણ અમદાવાદ શહેરના તુટી ગયેલા રસ્તાઓ દિવાળી સુધી પણ રીસરફેસ નહી થાય એમ સત્તાવારસૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે, શહેરમાં જુલાઈ માસમાં પડેલા ૩૪ ઈંચ જેટલા વરસાદને પગલે શહેરના તમામ છ ઝોનમાં આવેલા મુખ્ય અને અંદરના મળીને કુલ ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે.મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે,શહેરના વિવિધ રસ્તાઓ ઉપર કુલ મળીને ૪૫૦૦ જેટલા ખાડા પડવા પામ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ૨૮ જુલાઈના રોજ મળેલી સામાન્ય સભામાં શહેરના મેયર ગૌતમ શાહે એવી બાંહેધરી આપી હતી કે,અમદાવાદના તુટેલા તમામ રસ્તાઓ માત્ર એક અઠવાડિયામાં રીસરફેસ કરી દેવામાં આવશે.બાદમાં ૧૦ ઓગસ્ટના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન પ્રવિણ પટેલે પણ એક વાતચીતમાં કહ્યુ હતુ કે,શહેરના તુટેલા રસ્તાઓ પૈકી ૫૭ કિલોમીટરના રસ્તાઓ એવા છે કે જે ડીફેકટ લાયબલિટીમા આવતા નથી આ તમામ રસ્તાઓ આજ રાતથી જ રીસરફેસ થઈ જશે.દરમિયાન આજે ૧૮ ઓગસ્ટ પણ પુરી થઈ ગઈ હજુ સુધી જ્યાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની રાત પડી નથી ત્યાં શહેરના મેયરનું એક અઠવાડિયુ પણ પુરૂ થયુ નથી.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મોટા ઉપાડે ત્રણ કોન્ટ્રાકટરોને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામા આવ્યા બાદ આજ દિન સુધી બીજી કોઈ કાર્યવાહી કરવામા આવી નથી આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેકટના સૂત્રોના કહેવા અનુસાર,દિવાળી સુધી પણ અમદાવાદના લોકોને તુટેલા રોડ મામલે રાહત મળવાના કોઈ સંકેત નથી.દિવાળી બાદ કોન્ટ્રાકટરોના માણસો હાજર થશે એ પછી જ રીસરફેસીંગની કાર્યવાહી હાથ ધરવામા આવશે. રસ્તાઓને લઇને છેલ્લા ઘણા દિવસથી વિવાદ છેડાયો છે.