માંગરોળનો રોડ બિસમાર હાલતમાં બંધ થઈ જતાં હજારો લોકો શહેરથી વિખૂટા પડ્યા

(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા. ૪
માંગરોળ-માળિયા પંથકના અનેક ગામોને જોડતો માંગરોળ ના ગુલામ કંટાળી ના રાજમાર્ગ પર તંત્ર અને કોન્ટ્રાક્ટરના પ્રતાપે કીચડાના થર જામી જતાં હજારો લોકોના અવરજવરનો મુખ્ય માર્ગ બિસ્માર રીતે સદંતર બંધ હાલતમાં મુકાઈ ગયો છે. જેના કારણે વાડી વિસ્તારમાં રહેતા હજારો લોકો માંગરોળ શહેર થી સંપર્ક વિહોણા થઈ જતાં લોકો મા રોષ ફાટી નીકળ્યો છે.
કોન્ટ્રાક્ટરે એક મહિનાથી કામ બંધ દીધુ હતું. ધૂળ અને મેટના ઢગલાઓ પર વરસાદ પડતાં રસ્તામાં ગારાની રબડી અને કીચડ જામી ગયા હતા. પરિણામે પરિસ્થિતિ એવી ઉદભવી કે રોડ પર માણસ તો શું બળદ ગાડું પણ ખુંચી જાય ત્યારે કોઈ પણ પ્રકારનું વાહન ચલાવવું અશક્ય બન્યું છે. છેલ્લા ચાર દિવસથી આવી કપરી પરિસ્થિતિ ના કારણે સંપર્ક વિહોણા ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર પણ કરી શક્યા નથી. પંથકમાં સારો વરસાદ થવા છતાં આશરે ૧૫૦૦ વિધા જેટલી જમીનમાં બિસ્માર રસ્તા ના કારણે વાવેતર થઈ શકયુ નથી. અહીંના વાડી વિસ્તારના ખેડૂતો નો શહેર ને જોડતો એકમાત્ર આ રસ્તો હોવાથી શાકભાજી, ત્રોફા અને દૂધ પણ શહેરમાં લાવી શક્યા નથી. આ રીતે રસ્તાના પ્રતાપે ખેડૂતો નું લાખો રૂપિયા નું નુકસાન થયું છે. આ સંજોગોમાં અહીંયા જો કોઈ ગંભીર રીતે બીમાર થઈ જાય કે મરણ પામે તો કેવી પરિસ્થિતિ ઉભી થાય તે કલ્પી શકાય નહીં. આ બાબતે સ્થાનિક લોકોએ માતલાવડી ખાતે જિલ્લા પંચાયત ના પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્ય, સહિત જવાબદારોને બોલાવી ઉઘડો લિધો હતો અને
પરિસ્થિતિ વાકેફ કરી રોષ વ્યક્ત કર્યો હતો. અંતે સાંજના સુમારે કેશોદ પંચાયતના અધિકારી એસ. કે. રાઠોડ તેમજ જીર્.ં. બીના વાવેચર ને સ્થળ પર બોલાવવામાં આવેલ. તેમણે પણ પોતાની જવાબદારી સ્વીકારવાના બદલે દોષ નું ઠીકરું કોન્ટ્રાક્ટર પણ ફોડતા જણાવ્યું હતું કે, અપૂરતા સ્ટાફના કારણે અમે દરેક જગ્યાએ ધ્યાન આપી શકતા નથી. આ તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર ની છે. અમે અત્યારે જુનાગઢના કોન્ટ્રાક્ટર ને અનેક ફોન કરવા છતાં કોન્ટ્રાક્ટર એકપણ ફોન ઉપાડતો નથી.
મધુરમ કન્સ્ટ્રક્શન નામની જુનાગઢ ની કંપની ને ૧ કરોડ, ૯૭ લાખ, ૨૧ હજાર, ૮૩૦ રૂપિયામાં કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મંથર ગતિના કારણે આજે રસ્તા પર કાકરા માટીનું ફોરમ નાખી સોલિંગ કરવાના બદલે કુવાનો ગાળ મેટ અને હલકી કક્ષાનું રો મટીરીયલ્સ નાખી દીધેલ. જેના માથે વરસાદ પડતાં રસ્તામાં રબડી અને કીચડ થઈ જતાં કોન્ટ્રાક્ટર ની પોલમમપોલ બહાર આવી ગઈ હતી. લોકો ની સહુલત માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે કરે છે ત્યારે આવી પોલમમપોલ કામગીરી માટે જવાબદારી કોની બને છે? .
આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટા, રામભાઈ કરમટા અને વાલાભાઈ ખેરે ચીમકી આપતા જણાવ્યું હતું કે, ગમતેમ કરી ૨૪ કલાકમાં રસ્તો ચાલુ કરવામાં નહીં આવે તો ખરાબ પરિણામ આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks