અમદાવાદ, તા.૧૮
રાજ્યની અન્ય નદીઓની જેમ જ ભાદર નદીમાં પણ ભાજપ સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના હપ્તારાજ અને આશીર્વાદથી કરોડો લિટર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. “ભાદર બચાવો અભિયાન” હેઠળ કોંગ્રેસના ધારાસભ્યના જળસમાધિના કાર્યક્રમ બાદ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ જીપીસીબીએ સફાળા જાગી ઉદ્યોગ બંધ કરવાનો આદેશ કાગળ પર કરવાની ફરજ પડી છે ત્યારે ગુજરાતમાં પાણી પ્રદૂષણ નિયંત્રણ ધારો-૧૯૭૪, હવા પ્રદૂષણ નિયંત્રણ ધારો-૧૯૮૧ અને પર્યાવરણ સંરક્ષણ ધારા ૧૯૮૬નો સંપૂર્ણ રીતે અમલ કરવા કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ માગણી કરી છે.
કરોડો રૂપિયાની શુદ્ધ પીવાના પાણી માટે મોટી મોટી જાહેરાત કરનાર ભાજપ સરકાર પ્રજાને શુદ્ધ પાણી આપવામાં અને કુદરતી જળ સ્ત્રોતોમાં પ્રદૂષણ રોકવામાં સરકાર સરીઆમ નિષ્ફળ ગઈ છે. ત્યારે, પ્રજાલક્ષી ચળવળને લીધે હરકતમાં આવેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપેલ નોટિસમાં ચોંકાવનાર તથ્ય અંગે વાઈબ્રન્ટ વાહ-વાહી લુંટવામાં વ્યસ્ત ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ‘ભાદર બચાવો અભિયાન’ બાદ જીપીસીબીએ પાણી પ્રદૂષણ (નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ ૧૯૭૪ની કલમ-૩૩એ હેઠળ ઉદ્યોગ બંધ કરવાનો આદેશ કાગળ પર કરેલ છે. વર્ષ-૨૦૧૪માં ૯૧,૨૦૦ લિટર/દિવસના દરે કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CEPT)નું સંચાલન કરનાર ધારેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તાર એસોસિએશનને અપડેટ કરવા માટે જે એક્શન પ્લાન આપેલ હતો તે અંગે ૪ વર્ષ વીતી ગયા છતાં કોઈ કાર્ય કરવામાં આવેલ નથી. સી.ઈ.ટી.પી.ના તમામ એકમો બંધ છે અને સીધું જ ગંદા પાણી નિકાલ કરવામાં આવે છે અને ગંદાપાણી કુદરતી વહેણથી નદીમાં ઠલવાય છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ૨૪/૦૪/૨૦૧૮ અને તા.૦૬/૦૮/૨૦૧૮ની સ્થળ મુલાકાતમાં પણ સ્પષ્ટપણે કેમિકલયુક્ત પાણી ઠલવાઈ રહ્યાનું સ્વીકારેલ છે. જેમાં મોટા પ્રમાણમાં ટી.ડી.એસ. અને સી.ઓ.ડી.નું પ્રમાણ જોવા મળ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તા.૨૮/૦૮/૨૦૧૭ના રોજ પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ૧૯૭૪ની કલમ-૩૩એ હેઠળ આદેશ આપ્યો હતો. તા.૧૦/૦૩/૨૦૧૮ના રોજ આવેલ બાંહેધરીને પણ અવગણવામાં આવી છે. સી.ઈ.ટી.પી.માં રોજ ૧,૫૦,૦૦૦ લીટર ગંદુપાણી ઠલવાય છે જે મંજુરી કરતાં ૬૬ ટકા વધુ છે તે છતાં એક પણ ઉદ્યોગગૃહોએ વધારાના ગંદા પાણીના નિકાલ માટે મંજુરી લીધી નથી.
ઝડપી ઔદ્યોગિકરણ અને શહેરીકરણના યુગમાં દૂષિત પાણી જળાશયોમાં છોડવામાં આવે અથવા ફરી વપરાશમાં લેવામાં આવે તે પહેલાં તેના પર પ્રક્રિયા કરીને સહિયારા જળ શુદ્ધિકરણ પ્લાાન્ટ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ ૨૦૧૫ના કેગના અહેવાલમાં પ્રદૂષણ અંગે જે વિગતો રજૂ થઈ છે તે ચોંકાવનારી છે.