(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧૦
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી આશરે ર૦૦ ઉપરાંત હાજીઓ ચાલુ વર્ષે હજ કમિટી તથા ખાનગી ટૂર દ્વારા હજ ઝિયારત જવાના છે. જેમાં હજ કમિટી દ્વારા ફ્લાઈટ ઉપડવાનો શિડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે કે કઈ તારીખે કેટલા વાગ્યાની ફ્લાઈટ ઉપડશે પરંતુ મોડાસા શહેરના અડધાથી વધુ હાજીઓને હજી સુધી તારીખ આપવામાં આવી નથી. જેથી હાજીઓ સાથે સગા-સંબંધીઓ-મિત્રો ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. હવે હજમાં જવાના દિવસો નજીક આવી ગયા હોવા છતાં મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ભિલોડાના ઘણા બધા હાજીઓને હજ કમિટી તરફથી કોઈ જ તારીખની જાણ કરવામાં આવી નથી. સામા પક્ષે ખાનગી ટૂર ઓપરેટર્સ દ્વારા તેમના હાજીઓને નક્કી તારીખ સાથે તમામ માહિતી પૂરી પાડી દેવામાં આવી છે. હજ કમિટી સરકારનું વૈધાનિક અને સ્વાયત્ત બોર્ડ છે અને કમિટી પાસે તમામ સાધનો ઉપલબ્ધ છે તેમ થતાં હજ કમિટીના આવા વહીવટથી હાજીઓ તથા તેઓના પરિવારજનો માનસિક પરિતાપ છોડી રહ્યા છે. મોડાસા શહેરમાંથી હજ માટે જનારા હાજીઓને છેલ્લી ઘડી સુધી રવાનગી તારીખો ન મળતા સગા-સંબંધીઓ તથા મિત્રોમાં હજ કમિટી સામે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. તારીખો અને સમયની વહેલાસર જાણ વગર હાજીઓ કઈ રીતે તૈયારી કરશે ? છેલ્લી ઘડીએ દોડધામ કરાવી દેવામાં આવશે ? ત્યારે હજ કમિટી તરફથી આ બાબતને ગંભીરતાથી લઈ ત્વરીત કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.