સુરત, તા.૩૦
ગુજરાતના દરિયાઈ પરિવહન માટે ૨૦૧૮નું નૂતનવર્ષ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યકત કરતા કેન્દ્રીય માર્ગ, પરિવહન, ફર્ટિલાઇઝર અને શિપિંગ રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગથી જોડવા માટે દહેજથી હજીરા, હજીરાથી ઘોઘા, પીપાવાવ, વિકટર, દિવના બંદરો સાથે જોડવા માટે રો-પેકસ સર્વિસની સાથે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી માંડવિયાએ આજરોજ મગદલ્લા પોર્ટની મુલાકાત લઈને દરિયાઈ માર્ગે એસ્સાર જેટી સુધી સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી જરૂરી તમામ વિગતો મેળવી હતી. સાથે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ પણ જોડાયા હતા. મંત્રીએ જણાવ્યું કે, જુનાગઢ, અમરેલી, ભાવનગરના લોકો સવારે ઘરેથી નીકળી સુરત કામ આટોપીને સાંજે ઘરે પાછા પહોચે તે પ્રકારની સર્વિસ શરૂ કરવામાં આવશે. સમય અને ખર્ચની બચતની સાથે અકસ્માતોનું પ્રમાણ પણ નોંધપાત્ર ઘટશે તેમ જણાવીને ગુજરાતના વિકાસમાં વધુ એક મોરપીછ આગામી વર્ષમાં ઉમેરાશે તેમ કહ્યું હતું. સૌરાષ્ટ્રના દરીયા કાંઠે આવેલા અલંગ, સિમેન્ટ, કોલસા જેવા અનેક ઉદ્યોગોના માલ સામાન ફકત અડધા કલાકમાં સુરત સુધી પહોચી જશે જેના કારણે અનેક માનવ કલાકોની બચતની સાથે સમય અને નાણાં, ઈધણની પણ બચત થશે.મંત્રીએ ઘોઘા-દહેજ ફેરી સર્વિસ વિશે જણાવ્યું કે, આ ફેરી સર્વિસ હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. ટ્રક ફેરી સર્વિસ શરૂ કરવાની હોવાથી લિંક સ્પાન બેસાડવાના હોવાથી ૧૦ થી ૧૫ દિવસમાં ફરી રો-રો ફેરી સર્વિસ બંધ રહેશે ત્યાર બાદ ફરી શરૂ થશે તેમ જણાવ્યું હતું. આગામી ૨૦૧૮-૧૯ના વર્ષમાં તાપીના ૧૭૬ કિ.મી. અને નર્મદા નદીના ૧૨૬ કિ.મી. પર નાના જહાજો ચાલે તે માટેના વોટરવેઇઝ વિકસિત કરવાનાં DPR બનીને તૈયાર થઈ ચૂકયા છે.