હજ બુકિંગ બાદ હજયાત્રીઓને બીજા દિવસે બોલાવવામાં આવતાં હજ હાઉસ પર હોબાળો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત પવિત્ર હજયાત્રાએ જનારા યાત્રીઓના બુકીંગની કામગીરી હાલ અમદાવાદના કાલુપુર હજ હાઉસ ખાતે જારી છે જેમાં હજયાત્રી કે તેમના સગાને હજ ફ્લાઈટના બે દિવસ અગાઉ બોલાવી બુકીંગ કરાવવામાં આવે છે ત્યારબાદ હજયાત્રીનું છેલ્લી ઘડીનું કન્ફર્મેશન થયા બાદ બીજા દિવસે તેમને પાસપોર્ટ, સ્ટીકર, આઈકાર્ડ, બેલ્ટ, ઈ-બ્રેસલેટ વગેરે આપવામાં આવે છે. આ કામગીરીમાં ૧૮થી ર૪ કલાકનો સમય થઈ જાય છે. આથી હજયાત્રી કે હજયાત્રીઓના સગાને બેવાર ધક્કા ખાવા પડતા હોવાથી હજહાઉસ ખાતે આવી હોબાળો મચાવી રહ્યા છે.
આ અંગે ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ આઈ.એમ. શેખએ ગુજરાત ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ જ્યારે હજયાત્રી કે તેમના સગા હજ ફ્લાઈટના બે દિવસ અગાઉ બુકીંગ કરાવવા આવતા હતા ત્યારે તુરંત જ તેમને પાસપોર્ટ, આઈકાર્ડ, બેલ્ટ વગેરે આપી દેવામાં આવતા હતા. આ પરિસ્થિતિમાં કેટલાક કિસ્સામાં હજયાત્રી એકાદ વસ્તુ ઘરે ભૂલી જાય તો અંતિમ સમયે ભાગદોડ કરવી પડતી હતી. અમુક વાર તો તે ફ્લાઈટ પણ મિસ થઈ જતી હતી. આથી સઉદી સરકારે ચાલુ વર્ષથી હજયાત્રીનું બુકીંગ થયા બાદ ઈ-બ્રેસલેટ અને ડિજીટલ સ્ટીકર, આઈડેન્ટી કાર્ડ આપવાનું નક્કી કર્યું હોવાથી આ વીધિમાં ૧૮થી ર૪ કલાકનો સમય થઈ જાય છે.
આ અંગે તેમણે વિસ્તૃત રીતે ફોડ પાડતા જણાવ્યું હતું કે ફ્લાઈટના બે દિવસ અગાઉ હજયાત્રી બુકીંગ કરાવવા આવે ત્યારબાદ બુકીંગ કન્ફર્મ થયા બાદ તેનું લિસ્ટ જીદ્દાહ મોકલવામાં આવે છે. જીદ્દાહમાં લિસ્ટ ફાઈનલ કરી મક્કા શરીફ મોકલવામાં આવે છે. ત્યાંથી મકતબ નંબર, મોઅલ્લીમનું નામ સરનામું, બિલ્ડીંગ નંબર, રૂમ નંબર સહિતનું કન્ફર્મેશન આવે છે. આ તમામ વિગતોના સ્ટીકર તૈયાર કરી હજ કમિટીને મોકલવામાં આવે છે. આ પ્રક્રિયામાં ૧૮થી ર૪ કલાક વીતિ જાય છે. આથી હજયાત્રીનું બુકીંગ થયા બાદ તેમને બીજા દિવસે જરૂરી વસ્તુઓ લઈ જવા બોલાવવામાં આવે છે પરંતુ કેટલાક હજયાત્રી કે તેમના સગા આ બાબત સમજવા તૈયાર હોતા નથી પરિણામે બુકીંગ કરાવ્યું હોય એ જ દિવસે તમામ વસ્તુઓ આપી દેવા આગ્રહ રાખતા હોય છે. જે શક્ય જ નથી. આથી તેઓ હજ કમિટીના સ્ટાફ જોડે તકરાર કરી જીભાજોડી પર ઉતરી આવે છે.
સચિવ આઈ.એમ. શેખ વધુમાં જણાવે છે કે હજયાત્રી કે તેમના સગાઓએ અહીં બે દિવસ થોડી પરેશાની ભોગવવી પડશે. પરંતુ હજયાત્રીને એકવાર ઈ-બ્રેસલેટ, સ્ટીકર, ઈલેક્ટ્રોનિકલ ટેગ સહિતની વસ્તુઓ મળી ગયા બાદ હજ દરમિયાન પડનારી સમસ્યામાંથી મુક્તિ મળશે. આ અંગે વિગતો સમજાવતા તેમણે જણાવ્યું કે અગાઉ મેન્યુઅલી સિસ્ટમ હોવાથી ચેકીંગ ઈમિગ્રેશન, લગેજમાં ખૂબ પરેશાની થતી હતી અને સમયનો બગાડ થતો હતો. પરંતુ હવે હજયાત્રીઓની ડિજીટલ ડેટા બેંક તૈયાર થાય છે. આથી જે હજયાત્રીને ઈ-બ્રેસલેટ આપવામાં આવે છે તેમાં હજયાત્રીની પાસપોર્ટ સહિતની તમામ માહિતી હોય છે. આથી જેવો હજયાત્રી એરપોર્ટમાં પ્રવેશે કે ઈ-બ્રેસલેટ સ્કેન કરી તેની માહિતી મેળવી લેવાય છે. જે કામગીરી અડધા મિનિટમાં પૂર્ણ થઈ જાય છે. આથી અમદાવાદ અને જીદ્દાહ એરપોર્ટ પર હજયાત્રીનો સમય બગડતો નથી અને ઈમિગ્રેશન ક્લિયરન્સમાં સરળતા રહે છે.
બીજું હજયાત્રીનો સામાન ગુમ થવાની ફરિયાદનો નિકાલ કરવા ઈલેક્ટ્રોનિક ટેગ આપવામાં આવ્યા છે. જે હજયાત્રીની બેગ ઉપર ચોંટાડવામાં આવે છે. આથી બેગ ગુમ થવાના કિસ્સામાં ટેગ પરની માહિતી પરથી જે-તે હજયાત્રીનો સામાન તેમને સલામત પહોંચાડી શકાય છે. એ જ રીતે આઈડેન્ટી કાર્ડ સ્ટીકરની મદદથી મીના, મુજદલફા કે અરફાતમાં હજયાત્રીના ભૂલા પડવાના કિસ્સામાં તેમને તેમના મુકામ પર પહોંચાડી શકાય છે.
આમ હજયાત્રીઓને ૪૦ દિવસના સમગ્ર સફર દરમિયાન કોઈ પરેશાની વેઠવી ન પડે તે હેતુથી આ તમામ વીધિ કરવામાં આવે છે. જેમાં સમય લાગતો હોવાથી હાજીઓ વિનંતી કરતા તેમણે જણાવ્યું છે કે અહીં બે દિવસ થોડી તકલીફ વેઠવી પડે એમાં વાંધો ન ઉપાડવો જોઈએ. પરંતુ હાજીની હજ વધુમાં વધુ આસાનીથી અદા થઈ શકે તેને ધ્યાનમાં રાખવું જોઈએ. આથી હજ કમિટીના ખિદમતગારો સાથે તકરાર કરવાને બદલે દરેક હજયાત્રી કે તેમના સંબંધી સમજદારીથી કામ લે તે જરૂરી છે.
હાજીઓની ખિદમત માટે સરકારી કર્મચારીઓ, સેવાભાવી લોકો ખડેપગે કામગીરી કરી રહ્યા છે

હજ કમિટીમાં વર્ષોથી ખિદમત કરતા વેપારી અને સામાજિક કાર્યકર અબ્દુલ કાદર શેઠવાલાએ ગુજરાત ટુડેને જણાવ્યું હતું કે હજ કમિટી પાસે ૧ર હજાર જેટલા હજયાત્રીઓના બુકીંગ સહિતની કામગીરી માટે પુરતો સ્ટાફ નથી. આથી સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, જીપીએસસી તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા સામાજિક કાર્યકરોની સેવા લેવામાં આવે છે. આ લોકો દિવસ-રાત જોયા વિના એકમાત્ર હાજીઓની ખિદમત કરવાના જુસ્સા સાથે કામગીરી કરતા હોય છે. હજયાત્રીનું બુકીંગ થાય કે તુરંત જ લિસ્ટ જીદ્દાહ મોકલવામાં આવે છે. એ લિસ્ટના આધારે ઈ-બ્રેસલેટ, સ્ટીકર, ઈલેક્ટ્રોનિક ટેગ આપ્યા બાદ ગણતરીના કલાકોમાં બુકીંગ થયેલા હાજીઓના વ્યક્તિગત બ્રેસલેટ અને સ્ટીકર તૈયાર કરવામાં આવે છે. રોજના ૯૦૦ હજયાત્રીઓનું બુકીંગ થતું હોવાથી ખિદમતગારો સતત આ કામગીરીમાં જોતરાયેલા રહે છે. આમાં કોઈનો અંગત સ્વાર્થ કે હાજીઓને હેરાન કરવા વિચારી પણ શકતા નથી છતાં કેટલાક નાસમજ લોકોને લાખ સમજાવ્યા છતાં સમજતા નથી અને બુકીંગ સમયે તમામ વસ્તુઓ આપવાની જીદ પકડી રાખે છે. જે શક્ય જ નથી આથી હજયાત્રીએ કે તેમના સગાએ બુકીંગ કરાવવા અને બીજા દિવસે સ્ટીકર સહિતની વસ્તુઓ લેવા આવવા તૈયારી રાખવી જોઈએ તે તેમના જ લાભ માટે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks