(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૩
દિલ્હીની કેજરીવાલ સરકારે વરિષ્ઠ નાગરિકો માટે નાતજાત ધર્મના ભેદભાવ વિના મફતમાં તિર્થયાત્રાની યોજના જાહેર કરી છે. જેમાં આવવા જવાનો ખર્ચ, ખાવું-પીવું હોટલમાં રોકાણ સહિતનો તમામ ખર્ચ સરકાર ભોગવશે તેવું નક્કી કરાયું છે. બીજી તરફ હજ કમિટી ઓફ ઈન્ડિયા હજયાત્રીઓ પાસેથી હજની પૂરતી રકમ વસૂલતી હોવા છતાં હજ ફોર્મના નામે દર વર્ષે કરોડો રૂપિયા ઉઘરાવી રહી હોવાથી હજ અરજદારો બેફામ લૂંટાઈ રહ્યા છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા મારફત દર વર્ષે સવા લાખથી વધુ લોકો હજયાત્રાએ જાય છે એ માટે દેશભરમાંથી ચાર લાખથી વધુ અરજીઓ આવતી હોવાનો અંદાજ છે. એ મુજબ જોવા જઈએ તો ૧ર કરોડથી વધુ રકમ માત્ર ફોર્મ પેટે જ ઉઘરાવી લેવાય છે. ઉપરાંત હજયાત્રી દીઠ રૂા.૧.૯૦ લાખથી વધુ રકમ ઉઘરાવવામાં આવે છે. એમાં સરકાર એવું કહે છે કે અમે હાજીઓને સબસિડી આપીએ છીએ પરંતુ અભ્યાસુ લોકોના જણાવ્યા મુજબ હજ કમિટી હજયાત્રી દીઠ જે રૂા.૧.૯૦ લાખ ઉઘરાવે છે. તે રકમ ઘણી જ વધારે છે કારણ કે વિમાન, હોટલ વગેરેનું એડવાન્સ અને જથ્થામાં બુકિંગ કરાવો તો ઘણું જ સસ્તુ પડે, અને દરેક હજયાત્રીની દોઢ લાખ જેટલી રકમમાં હજ થઈ જાય તેમ છે. તેમ છતાં સબસિડીના નામે હજયાત્રીઓને અંધારામાં રાખી લૂંટવામાં આવતા હોવાના અવાર-નવાર આક્ષેપો થતા રહે છે. આ ઉપરાંત ડ્રોમાં નામ ન હોય તેવા હજયાત્રીઓ પાસેથી ખરેખર રકમ કરતા વધુ રકમ વસૂલી પાછલા બારણે સેટિંગ કરાતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ તો થઈ ગેરરીતિની વાતો, પરંતુ હજયાત્રીઓ પાસેથી પૂરતી રકમ વસૂલ કર્યા છતાં યોગ્ય સુવિધા અપાતી ન હોવાની ફરિયાદો વધતી જાય છે. ત્યારે હજ યાત્રીઓ પાસેથી પૂરી રકમ વસૂલ કરતી હજ કમિટી ઓફ ઈન્ડિયા હજયાત્રીઓને લૂંટવાનું બંધ કરે અને પૂરતી સુવિધા આપે તેવી માગ ઉઠવા પામી છે.