
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
હજ કમિટી મારફત હજયાત્રાએ જનારા જે હજયાત્રીઓએ રહેઠાણની સુવિધા માટે ગ્રીન કેટેગરીનો વિકલ્પ આપ્યો હશે તે તમામને ગ્રીન કેટેગરીમાં મકાનો મળી શકશે નહીં. સઉદી સરકારે રહેઠાણની અછતને લઈ દેશભરમાંથી ગ્રીન કેટેગરીમાં મકાનો ઓછા મંજૂર કરતાં હજ કમિટી ઓફ ઈન્ડિયા ડ્રો કરીને ગ્રીન કેટેગરીના મકાનોની ફાળવણી કરશે. બાકીનાઓને અઝીઝિયામાં મકાન ફાળવવામાં આવશે. મક્કા શરીફમાં હાલ વિસ્તૃતિકરણની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી થોડી અસુવિધા ઊભી થઈ છે. હરમ શરીફની આસપાસ હાલ બાંધકામ ચાલી રહ્યું છે. આથી ગ્રીન કેટેગરીના રહેઠાણની સમસ્યા ઊભી થઈ છે. પરિણામે હજ કમિટી ઓફ ઈન્ડિયાને પણ ગ્રીન કેટેગરીના રહેઠાણો ઓછા ફાળવાતાં હજ કમિટીએ ગ્રીન કેટેગરીમાં કાપ મૂકવાની ફરજ પડી છે. એટલે ગ્રીન કેટેગરીના રહેઠાણો ડ્રો કરીને ફાળવવામાં આવશે. આ અંગે ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ આઈ.એમ.શેખે જણાવ્યું છે કે હજ કમિટી ઓફ ઈન્ડિયાને ગ્રીન કેટેગરીના મકાનો ખૂબ જ ઓછા મળ્યા છે. આથી સુપ્રીમ કોર્ટની મંજૂરી મુજબ અને રૂલ્સ મુજબ ડ્રો કરીને ગ્રીન કેટેગરીના અરજદારોને રહેઠાણ ફાળવવામાં આવશે. હજ માટેના ફોર્મ અને માર્ગદર્શક સૂચનાના ફકરા નંબર ૧૬.ર હેઠળની નોંધ ક્રમાંક (ૈૈૈ)માં પણ જણાવવામાં આવ્યું છે કે રહેઠાણની સુવિધા માટે હજયાત્રિકોની માગણી મુજબની કેટેગરીમાં જો ઓછી સંખ્યામાં મકાનો ઉપલબ્ધ થશે ત્યારે ડ્રો પદ્ધતિથી હજયાત્રિકોને મકાનોની ફાળવણી કરવામાં આવશે. બાકીના હજયાત્રિકોને તે પછીની કેટેગરીમાં મકાનો ફાળવવામાં આવશે. જે કેટેગરીમાં ખરેખર મકાન ફાળવવામાં આવશે તે કેટેગરી મુજબ મકાનના દર રહેશે. હજ કમિટી ઓફ ઈન્ડિયાના પરિપત્ર મુજબ જે હજયાત્રીઓની રહેઠાણ કેટેગરી કોમ્પ્યુટર ડ્રોમાં તબદીલ થશે તેમને જાણ કરવામાં આવશે. ઉપરાંત હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર પણ જોઈ શકાશે. આ ઉપરાંત હજયાત્રીઓને તફાવતની રકમ ટૂંક સમયમાં પરત કરવામાં આવશે.