(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૮
હજ માટે ગ્રીન કેટેગરીમાં મકાનો ઓછા ફાળવાયા હોવાથી દેશભરમાંથી જે હજયાત્રીઓએ રહેઠાણની સુવિધા માટે ગ્રીન કેટેગરીનો વિકલ્પ પસંદ કર્યો છે તે તમામને ગ્રીન કેટેગરીમાં મકાનો મળી શકશે નહીં. તેથી સેન્ટ્રલ હજ કમિટીએ ડ્રો કરીને ગ્રીન કેટેગરીમાં મકાનોની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. તેની સામે વિરોધ ઉભો થયો છે કેમ કે જે ઉંમરલાયક હોય અથવા તકલીફ હોય તેવા હજયાત્રીઓએ જ ગ્રીન કેટેગરીમાં મકાન માટે અરજી કરી હોય છે. ત્યારે અંતિમ સમયે તેમા ફેરફાર કરાય અને ડ્રો કરીને તેમાં ગ્રીન કેટેગરીમાં મકાનોની ફાળવણી કરાય ત્યારે વૃધ્ધ અને તકલીફ હોય તેવા હાજીઓને અન્યાય થાય તેવી શકયતા છે. આ અંગે ગુજરાત હજ કમિટીના પૂર્વ સભ્ય મોહંમદ હુસેનભાઈ મમ્મીએ જણાવ્યું હતું કે દર વર્ષે ગ્રીન કેટેગરી માટેના મકાનોની ફાળવણી કરાય તેના માટે સેન્ટ્રલ હજ કમિટીમાંથી બિલ્ડીંગ સિલેકશનની ટીમને મોકલવામાં આવે છે. આ ટીમ હજના ૬ મહિના અગાઉ જ સઉદીમાં જઈને મકાનોની પસંદગી કરતી હોય છે. ત્યારે આટલા વર્ષોમાં પ્રથમવાર ગ્રીન કેટેગરીમાં મકાનોની ફાળવણીનો કાપ મુકાયો હોવાનું બનવા પામ્યું છે અને તેની જાહેરાત પણ હજના એક મહિના અગાઉ કરવામાં આવી છે. એટલે એવું લાગી રહ્યું છે કે હજ કમિટીની બિલ્ડીંગ સિલેકશનની કમિટી આ વર્ષે કાં તો મોડી ગઈ છે. અથવા ગ્રીન કેટેગરીના મકાનોની ફાળવણીના એગ્રીમેન્ટમાં મોડું થયું છે. એટલે સેન્ટ્રલ હજ કમિટીની લાપરવાહીને લીધે આવું થઈ શકે. વધુમાં મોહંમદ હુસેનભાઈએ જણાવ્યું હતું કે ગ્રીન કેટેગરીમાં વિકલ્પ પસંદ કરનારા મોટા ભાગના હજયાત્રીઓ વૃધ્ધ હોય છે અથવા કોઈ તકલીફમાં હોય છે. ત્યારે ગ્રીન કેટેગરીમાં મકાનો ફાળવવામાં ડ્રો કરવાની સીસ્ટમથી આવા તકલીફવાળા હજયાત્રીઓને અન્યાય થશે. ત્યારે હજ કમિટીએ ડ્રો કરવાને બદલે ૭૦ કે તેથી વધુની ઉંમરના તથા તકલીફવાળા હજયાત્રીઓને પ્રાથમિકતા આપ્યા બાદ ગ્રીન કેટેગરીમાં મકાનોની ફાળવણીમાં ડ્રો કરવો જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દર વર્ષે હજ કમિટીને ગ્રીન કેટેગરીમાં મકાનોની ફાળવણી કર્યા બાદ જ ટુર ઓપરેટરોને ગ્રીન કેટેગરીમાં મકાનો ફાળવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કેટલાક ટુર ઓપરેટરોને ગ્રીન કેટેગરીમાં મકાનો મળી ગયા છે પણ હજ કમિટીને મળ્યા નથી તે દુઃખની વાત છે.
મોહંમદ હુસેનભાઈએ રૂબરૂ મુલાકાતમાં વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહંમદઅલી કાદરીના પ્રયત્નોથી આ વર્ષે હજના કવોટામાં વધારો થયો છે. તે સારી બાબત છે. ત્યારે ચેરમેન કાદરીએ ગ્રીન કેટેગરીમાં મકાનોની ફાળવણીમાં યોગ્ય ફાળવણી થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ. તેનાથી હજયાત્રીઓને જ ફાયદો થશે.
હજ હાઉસ માટે હજયાત્રીઓ પાસેથી ફરજિયાત ઉઘરાવાતું ડોનેશન

ગુજરાત રાજ્ય હજ કમિટીના પૂર્વ સભ્ય મોહંમદ હુસેનભાઈ મમ્મીએ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે ગ્રીન કેટેગરીમાં મકાનોની ફાળવણીની કોઈ ચોક્કસ વિગતો ન હોવાને લીધે જ કદાચ અત્યાર સુધી હજની ફ્લાઈટનું વિગતવાર ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું નથી. તા.૧૩થી રપ ઓગસ્ટ સુધી ફ્લાઈટો જવાનું કહેવાયું છે પણ કયા હાજીએ કંઈ ફ્લાઈટમાં ક્યારે જવાનું છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એટલે તેના માટે આ ગ્રીન કેટેગરીમાં ફાળવાયેલા મકાનોનો મુદ્દો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે હાજીઓ પાસે દર વર્ષે અરજીના ૩૦૦ રૂપિયા લેવામાં આવે છે. જો કે પાંચ વર્ષે કોઈ હજયાત્રીનો નંબર લાગે તો તેને પાંચ વર્ષમાં અરજી માટે જ ૧પ૦૦ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. જે ખોટું છે. તેવી જ રીતે અરજી સાથે વિવિધ ચાર્જીસના ભેગા મળીને રૂા.૧૦૦૦ જેટલી ફી લેવામાં આવે છે. તેમાં રૂા.૧પ૦ ફી હજ હાઉસમાં ડોનેશન માટે લેવામાં આવે છે. એટલે હજયાત્રીઓ પાસેથી ફરજિયાત પણે હજ હાઉસ માટે ડોનેશન ઉઘરાવાય છે તે પણ યોગ્ય નથી. જો કે હજ યાત્રીઓ ફોર્મ ભરતી વખતે તેની માહિતી પુસ્તિકામાં અપાયેલી સૂચના ધ્યાનથી વાંચતા નથી તેના લીધે પણ ઘણીવાર તકલીફો ઊભી થાય છે. એટલે હજયાત્રીઓએ પણ હજનું ફોર્મ ભરતી વખતે તેની સૂચનાઓ ખાસ વાંચવી જોઈએ.
વૃદ્ધોને પ્રાથમિક્તા આપવા માટે કેન્દ્રીય
મંત્રીને રજૂઆત કરીશું : પ્રો. કાદરી
ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહંમદઅલી કાદરી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે ગ્રીન કેટેગરીમાં મકાનોની ફાળવણી માટે ઉઠેલા વિરોધ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ગ્રીન કેટેગરીમાં મકાનો ફાળવવામાં વૃદ્ધોને પ્રાથમિક્તા આપવામાં આવે તે માટે લઘુમતી બાબતોના કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને આવતીકાલે રૂબરૂમાં મળીને રજૂઆત કરીશ કે ૭૦થી વધુની ઉંમરના હજયાત્રીઓને ગ્રીન કેટેગરીમાં મકાનો ફાળવણીમાં પ્રાથમિક્તા આપવામાં આવે.