Site icon Gujarat Today

હજ મુબારક

 

વિશ્વના ૧૮૦ કરોડ લોકોની અદ્વિતીય-અનન્ય આસ્થાનું પ્રતીક કે જેની સમક્ષ વિશ્વની ચોથા ભાગથી પણ વધુ વસ્તી દરરોજ પાંચ વખત ઝૂકે છે. એ નાનકડી ઘનચોરસ ઈમારત સઉદી અરેબિયામાં આવી છે જે પવિત્ર કા’બાના નામે ઓળખાય છે. મક્કાના સૌથી પવિત્ર સ્થળે આવેલ આ કા’બા શરીફનો લાંબો અને સમૃદ્ધ ઈતિહાસ પોતે પવિત્ર ધર્મની ગવાહી આપે છે.
અરબી શબ્દ ‘કાબા’ કે જેનો અર્થ ‘સમઘન’ થાય છે અને જેને મુસ્લિમો અલ્લાહનું ઘર માને છે અને તે મક્કામાં આવેલ છે અને પવિત્ર હજયાત્રામાં તેનું અદ્વિતીય મહત્ત્વ છે. વાર્ષિક હજના ભાગરૂપે હાલ ર૦ લાખથી વધુ મુસ્લિમો ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેને સ્પર્શ કરીને કે તેનો તવાફ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આ પવિત્ર હજયાત્રાની શરૂઆત ઈસ્લામના મહાનત્તમ અને અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના સમયમાં સન ૬૩રમાં થઈ પરંતુ કા’બા શરીફની પૌરાણિકતાની જેમ તેની વિધિઓ છેક પયગમ્બર હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ના સમયમાં થતી હતી કે જેમણે આ પવિત્ર ઈમારતનું નિર્માણ કર્યું હતું કે જેની સ્થાપના હઝરત આદમ (અ.સ.) અને બીબી હવ્વાએ કરી હોવાની મનાય છે. હઝરત ઈબ્રાહીમ (અ.સ.)એ સ્થાપેલી પરંપરાઓ ઈસ્લામ, ખ્રિસ્તી અને યહુદીઓ માને છે. આજે કા’બાની ઈમારતની ઊંચાઈ ૪૩ ફૂટ જેટલી છે અને ૩૬ટ૪ર ફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે અને તેના ત્રણ ખૂણાઓના નામ મુસ્લિમ બહુમતીવાળા દેશો કે પ્રદેશોના નામે રખાયા છે. તેના ઉત્તરીય ખૂણાનું નામ ઈરાક પરથી રખાયું છે. પશ્ચિમ ખૂણાનું નામ સીરિયા પરથી રખાયું છે દક્ષિણ ખૂણાનું નામ યમન પરથી રખાયું છે. જ્યારે ચોથા પૂર્વ ખૂણાને જ્યાં પવિત્ર ‘‘કાળો પથ્થર’ હઝ્રે અસ્વદ રખાયો છે. જેને ચૂમવા માટે હજયાત્રીઓ પડાપડી કરે છે અને નસીબદારોને તેને ચૂમવાની તક મળી જાય છે.
સઉદી અરેબિયામાં તો હજના અરકાન પણ પૂરા થઈ ગયા અને ઈદે કુરબાન પણ ઉજવાઈ ગઈ. વીસ લાખથી વધુ હજયાત્રીઓ મીનામાં અરફાતના પહાડ પર અરકાન કર્યા અને કાબાશરીફના તવાફ પણ કર્યા. અલ્લાહ સુબ્હાનવુતઆલા તેમની હજ કબૂલ કરે (આમીન.)
પ્રથમ તસવીરમાં અરફાતના મેદાનમાં દુઆઓ માંગીને ભાવવિભોર થયેલા હાજીઓ નજરે પડે છે જ્યારે બીજી તસવીરમાં પવિત્ર કાબા શરીફ ફરતે તવાફ કરી રહેલા સદ્‌નસીબ હાજી સાહેબોનો હુજુમ જોવા મળે છે.

 

Exit mobile version