નવી દિલ્હી, તા. ૪
૨૦૧૩-૧૭ હજ પોલિસી હવે સમાપ્ત થઇ ચુકી છે. સરકાર હવે ૨૦૧૮-૨૨ની નવી હજ પોલિસી પર કામ કરી રહી છે. આ હજ પોલિસીને લઇ એક તરફ ભારતીય મુસ્લિમોની ઘણી આશાઓ બંધાયેલી છે જ્યારે આ પોલિસીને લઇ લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી મુસ્લિમોને ઘણા પ્રકારના સપના દેખાડવામાં વ્યસ્ત છે. આ અંગે તેમનું નિવેદન પણ આવી ચુક્યું છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, નવી હજ પોલિસીનો ઉદેશ્ય હજની સમગ્ર પ્રક્રિયાને સરળ અને પારદર્શી બનાવવાનો છે. આ નવી હજ પોલિસીમાં હજ યાત્રીઓ માટે વિવિધ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, લઘુમતી કાર્ય મંત્રાલયે હજ પોલિસી ૨૦૧૩-૧૭ની સમીક્ષા કરવા તથા હજ પોલિસી ૨૦૧૮-૨૨ માટે રૂપરેખાની સલાહ આપવા માટે ૩૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ એક સમિતિ બનાવવામાં આવી. આ સમિતિમાં સેવાનિવૃત્ત આઇએએસ, ભારત સરકારના ભૂતપૂર્વ સચિવ તથા જેદ્દાહમાં ભારતીય દૂતાવાસના પૂર્વ મહાવાણિજ્ય દૂત અફઝલ અમાનુલ્લાહ, બોમ્બે હાઇકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ એસ.એસ. પાર્કર, ભારતીય હજ સમિતિના પૂર્વ અધ્યક્ષ તથા સેવાનિવૃત્ત આઇઆરએસ કૈસર શમીમ, પ્રસિદ્ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા મુસ્લિમ વિદ્વાન કમાલ ફારૂકી, એર ઇન્ડિયાના ભૂતપૂર્વ સીએમડી માઇકલ મસ્કારેન્હાસ, લઘુમતી કાર્ય મંત્રાલયમાં મુખ્ય સચિવ તથા હજ પ્રભારી જે. આલમ સામેલ છે. નોંધનીય છે કે, સમિતિને પોતાનો રિપોર્ટ રજૂ કરવાથી ત્રણ મહિનાનો સમય માગ્યો હતો પરંતુ આશરે સાત મહિના વીતી ગયા છતાં હજુ સુધી સમિતિ રિપોર્ટ રજ કરી શકી નથી. આ હજ પોલિસી અંગે વાત કરતા દિલ્હી લઘુમતી પંચના ચેરમેન ડો. જફરૂલ ઇસ્લામ ખાને જણાવ્યું છે કે, હજના નામે ભારતીય મુસ્લિમોને છેતરવામાં આવી રહ્યા છે. સરકાર ઇચ્છે તો એક લાખ રૂપિયામાં પણ સંપૂર્ણ હજ કરાવી શકે છે. હવે એ જોવાનું રોચક રહેશે કે, હજ પોલિસી ૨૦૧૮ માટે રચાયેલી સમિતિમાં સામેલ લોકો હજના નામે થનારા કૌભાંડો પર કેટલું ધ્યાન આપે છે. જફરૂલ ઇસ્લામ હજ કમિટી ઓફ ઇન્ડિયાને વિદેશ મંત્રાલયમાંથી હટાવી લઘુમતી કાર્ય મંત્રાલય અંતર્ગત કામ કરવાના નિર્ણયને પણ ખોટો ગણાવે છે. ટુ સર્કલ દ્વારા હજ વાસ્તવિકતાની સિરીઝ દ્વારા હજના નામે ભારતીય મુસ્લિમોને છેતરવાની જે સમગ્ર પ્રક્રિયાને પાઠકો સમક્ષ મુકી છે તેનાથી આશા છે કે, આ ભ્રષ્ટાચાર પર જરૂર ધ્યાન અપાશે અને તેને હંમેશા-હંમેશ માટે દૂર કરી દેવામાં આવશે. તેનું દૂર થવું ભારતીય મુસ્લિમોની સાથે-સાથે દેશ તથા કેન્દ્ર સરકારના પણ હિતમાં જ છે.
(સૌજન્ય : ટુ સર્કલ)