(નવી દિલ્હી) તા. ૮
ઇમાન લાવ્યા બાદ નમાઝ, રોઝા અને ઝકાતની જેમ હજ પણ એવા મુસ્લિમો માટે જીવનમાં એકવાર ફર્ઝ છે, જે પોતાની માલી હાલત અને તંદુરસ્તીને જોતા પોતાની હલાલ કમાણીથી મક્કા જઇ શકતા હોય. તેથી દરેક મુસ્લિમની ઇચ્છા હોય છે કે, તે પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર હજ જરૂર કરે. પરંતુ લોકો દ્વારા પોતાની હજ માટે આપવામાં આવેલા હલાલ નાણાંને હજ કમિટી બેંકમાં રાખીને તેનો વ્યાજ ખાવા લાગશે તો તમે શું કહેશો ? ઉલ્લેખનીય છે કે, ડ્રોમાં નામ આવ્યા બાદ હજ કમિટી ઓફ ઇન્ડિયા પ્રત્યેક હાજી પાસેથી હજ રકમ તરીકે ૮૦ હજાર રૂપિયા લે છે. આ રકમ જમા કરાવવા માટેની અંતિમ તારીખ આ વખતે ૩૧મી માર્ચ ૨૦૧૭ રાખવામાં આવી હતી.
અહીં એ પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, ભારતમાંથી આ વખતે ૧,૭૦,૦૨૫ લોકો હજ માટે સઉદી અરબ જશે. આમાં ૪૫ હજાર લોકો પ્રાઇવેટ ટૂર ઓપરેટરના ક્વોટામાંથી છે તો બીજી તરફ ૧,૨૫,૦૨૫ લોકો સરકારી ક્વોટામાંથી હજ પર જઇ રહ્યા છે. હાલ અહીં સરકારી ક્વોટા અંગે વાત કરી રહ્યા છીએ. જ્યારે આપણે ૮૦ હજાર રૂપિયાનો હિસાબ-કિતાબ લગાવીએ ત્યારે જાણવા મળે છે કે હજ કમિટી ઓફ ઇન્ડિયા પાસે માર્ચ મહિનાના અંત સુધી આશરે ૧૦ અબજ ૨૦ લાખ રૂપિયા આવે છે. આ નાણાને હજ કમિટી બેંકમાં રાખે છે અને નાણાંના વ્યાજનો લાભ પણ ઉઠાવે છે. આરટીઆઇમાંથી મળેલા મહત્વના દસ્તાવેજો દર્શાવે છે કે, હજ કમિટીને વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૬.૨૨ કરોડ રૂપિયા બેંકમાંથી વ્યાજ તરીકે મળી રહ્યા હતા. જ્યારે પાછલા પાંચ વર્ષમાં વ્યાજની આ રકમ ૧ અબજ ૨૦ લાખ રૂપિયા રહી છે.(આ આંકડો વર્ષ ૨૦૧૦-૧૧થી ૨૦૧૪-૧૫ સુધીનો છે)
હવે ૮૦ હજાર રૂપિયાની રકમથી થોડા આગળ વધીએ. આ વખતે હજ કમિટી ઓફ ઇન્ડિયાએ ગ્રીન કેટેગરીમાં સિલેક્ટ થયેલા ઉત્તરપ્રદેશના દરેક હાજી પાસેથી ૨,૩૯,૬૦૦ રૂપિયા જમા કરાવવા કહ્યું છે, જ્યારે ગુજરાતના હાજીઓ માટે આ રકમ ૨,૩૨,૬૫૦ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, વિમાની ભાડાને કારણે દરેક રાજ્યમાં જુદા ખર્ચ હોય છે. અજીજિયા કેટેગરીમાં સિલેક્ટ થયેલા ઉત્તરપ્રદેશના હાજીઓએ ૨,૦૬,૨૦૦ રૂપિયા જમા કરાવવના છે તો ગુજરાતના હાજીઓને સૌથી ઓછા ૧,૯૯,૨૫૦ રૂપિયા ભરવાના રહેશે. આરકમ જમા કરવાની અંતિમ તારીખ ૧૯મી જુન ૨૦૧૭ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મક્કામાં રહેવા દરમિયાન બે કેટેગરીમાં લોકો રહે છે. ગ્રીન કેટેગરીનો અર્થ હરમ શરીફથી ૧૦૦૦ મીટર અંદર રહેવાની સુવિધા મળે છે. જ્યારે અજીજિયા કેટેગરીમાં લોકો હરમ શરીફથી ૭-૮ કિલોમીટર દૂર રહે છે.
અહીં ઉત્તરપ્રદેશને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો અહીં દરેક હાજીએ હજ પર જવા માટે ગ્રીન કેટેગરીમાં ૨,૩૯,૬૦૦ રૂપિયા તો અજીજિયા કેટેગરી માટે ૨,૦૬,૨૦૦ રૂપિયા આપ્યા છે. અહીંના હાજીઓ માટે આ વખતે ૭૦ હજાર રૂપિયા જવાનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે (આ મુદ્દે આગામી રિપોર્ટમાં વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવશે.) એટલે હજ કમિટી ઓફ ઇન્ડિયા અહીંના દરેક હાજી પાસેથી ખર્ચના નામે ગ્રીન કેટેગરીવાળા પાસેથી કુલ ૧,૬૯,૬૦૦ રૂપિયા તો અજીજિયા કેટેગરીના હાજીઓ પાસેથી ૧,૩૬,૨૦૦ લઇ રહી છે. હવે આ રકમમાંથી ૨૧૦૦ સઉદી રિયાલ એટલે કે, ભારતીય મુદ્રામાં વાત કરીએ તો આશરે ૩૫૦૦૦ રૂપિયા સઉદી અરબ પહોંચ્યા પહેલા દરેક હાજીને આપવામાં આવે છે જેથી તેઓ આ રકમને પોતના ખાવા-પીવા માટે ખર્ચ કરી શકે. બાકી બચેલા ગ્રીન કેટેગરીમાં ૧,૩૪,૬૦૦ રૂપિયા તો અજીજિયામાં ૧,૦૧,૨૦૦ રૂપિયા હજ કમિટી દરેક હાજીના રહેવા પર ખર્ચ કરે છે. સાથે જ મીનામાં રહેવા દરમિયાન પાંચ દિવસના ખાવાની પણ વ્યવસ્થા કરે છે. બાકીનો ખર્ચ હાજીઓએ પોતે જ ઉપાડવો પડે છે.
જો રહેવાના ખર્ચની વાત કરવામાં આવે તો હજ કમિટી ઓફ ઇન્ડિયા પાસેથી પાછલા વર્ષે મળેલા દસ્તાવેજો જણાવે છે કે, હજ કમિટી મક્કામાં ગ્રીન કેટેગરી પર ૪૫૦૦ સઉદી રિયાલ તો અજીજિયા કેટેગરી પર ૨૫૮૦ સઉદી રિયાલ ખર્ચ કરે છે. બીજી તરફ મદીનામાં રહેવા દરમિયાન બધા માટે ૭૦૦ રિયાલનો ખર્ચ થાય છે. આ રીતે જો ભારતીય મુદ્રાને ધ્યાનમાં રાખવામાં આવે તો ગ્રીન કેટેગરીના હાજીઓ પર હજ કમિટીના આશરે ૮૮ હજાર રૂપિયા તો અજીજિયા કેટેગરીમાં ૫૬ હજાર રૂપિયા ખર્ચ થાય છે. આ ઉપરાંત મીનામાં રહેવા દરમિયાન પાંચ દિવસના ખાવા-પીવા ખર્ચ અલગથી છે. પરંતુ બાકીના નાણાં ક્યાં ખર્ચ થાય છે તે હજ કમિટી ઓફ ઇન્ડિયા યોગ્ય રીતે જણાવી શકશે. હજ કમિટી ઓફ ઇન્ડિયાનું એમ પણ કહેવું છે કે, એક્સચેન્જ રેટ ઓછા અથવા વધુ થતા જો ખર્ચની રકમ વધુ થાય તો વધારાની રકમ હાજીઓ પાસેથી અથવા રવાનગીના સમયે સઉદી રિયાલ ૨૧૦૦માંથી લઇ લેવામાં આવશે અથવા આ અંગે હજ કમિટી ઓફ ઇન્ડિયા અલગથી એલાન કરશે જે અંતર્ગત દરેક હાજીએ આ રકમ જમા કરાવવી જરૂરી છે. અહીં એ પણ જાણવા જેવું છે કે, ૨૧૦૦ સઉદી રિયાલના એક્સચેન્જ રેટને નક્કી કરવા માટે હજ કમિટી ઓફ ઇન્ડિયા ટેન્ડર બહાર પાડે છે. દસ્તાવેજો અનુસાર હજ કમિટીનો અહીં પણ ફાયદો જ ફાયદો છે. હજ કમિટીનો ૨૦૧૦-૧૧નો એક રિપોર્ટ જણાવે છે કે, ફોરેઇન એક્સચેન્જ આશરે ૪૮ કરોડનો નફો કમાવ્યો હતો. વધુ નફાની જાણકારી વહેલી તકે બહાર પાડવામાં આવશે. (સૌ.ઃ ટુ સર્કલ)