હજયાત્રિકોને શુભેચ્છા પાઠવવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા

અમદાવાદ, તા.૧૪
ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત પવિત્ર હજયાત્રાએ જતા રાજ્યના હજયાત્રીઓની ફ્લાઈટ ગઈકાલથી શરૂ થઈ ચૂકી છે. દરમિયાન આજરોજ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ એરપોર્ટ ખાતે જઈ હજયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. શિક્ષણમંત્રીએ હજકમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરી, રફીકબાપુ લીમડાવાળા, સચિવ આઈ.એમ.શેખ તથા સભ્યોને હજયાત્રીઓ માટે સુંદર વ્યવસ્થા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ મંત્રીએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ માટેની અતિમહત્ત્વની કહી શકાય તેવી ધાર્મિક યાત્રામાં જતા હાજીઓની સંખ્યામાં પહેલાંની સરખામણીએ નોંધપાત્ર વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો વ્યક્તિના જીવનમાં અને સમાજમાં શાંતિ અને સલામતી હશે તો જ તે બહાર ફરવા જવાનું કે યાત્રાએ જવાનું વિચારશે ત્યારે પાછલા કેટલાક વર્ષોમાં રાજ્યમાં એકધારી શાંતિ અને સલામતી રહેવાને કારણે હાજીઓની સંખ્યાનો આંકડો મોટી સંખ્યામાં વધવા પામ્યો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા હજ પઢવા જતા તમામ લોકોની સુરક્ષા અને સહાયતા માટેની તમામ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધ લોકોને હજ દરમિયાન ભાષાની સમજ અંગે કોઈ તકલીફ ના પડે અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ ના પડેે તે માટે ૧૫ ડૉક્ટરનું એક યુનિટ તથા કેટલાક અધિકારીઓ પણ હાજીઓની સાથે મદદ માટે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ અમદાવાદ એરપોર્ટ ખાતેથી હજયાત્રીઓને લઈને ત્રણ ફલાઈટ જીદ્દાહ જવા રવાના થઈ હતી અને આજરોજ યાત્રીઓને લઈ બીજો સમૂહ રવાના થયો હતો. જેઓને શુભેચ્છા પાઠવવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ એરપોર્ટ ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks