(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૭
ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત પવિત્ર હજયાત્રાએ જતાં યાત્રીઓની ફલાઈટનો ૧૩ ઓગસ્ટથી પ્રારંભ થયો છે. યાત્રીઓને વિદાય આપવા એરપોર્ટ ખાતે પ્રથમ દિવસે રાજકીય કાર્યક્રમ યોજયા બાદ બીજા દિવસે પણ એક મંત્રી યાત્રીઓને શુભેચ્છા પાઠવવા માગતા હોવાથી હજ કમિટીએ કેટલાક હજયાત્રીઓને રોકી રાખતા સઉદી એરલાઈન્સે સમયસર ફલાઈટ ઉપાડવાની જાહેરાત કરી દીધી હતી. જેથી હજયાત્રીઓ ફલાઈટ ચૂકી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. અંતે ભારે સમજાવટ બાદ બાકીના હાજીઓને લઈ ફલાઈટ રવાના થઈ હતી. ગુજરાત રાજ્ય હજ સમિતિએ ૧૩ ઓગસ્ટની પ્રથમ હજ ફલાઈટના હજયાત્રીઓને શુભેચ્છા પાઠવવા રાજકીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના ભાજપના મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે હજયાત્રીઓના શુભેચ્છા સમારોહમાં ઉપસ્થિત ન રહી શકેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા માટે હજ સમિતિએ બીજા દિવસે પણ કાર્યક્રમ યોજયો હતો. આ તબક્કે મોટા ભાગના હજયાત્રીઓ પ્રવેશ મેળવી ફલાઈટમાં પણ બેસી ગયા હતા. જયારે ત્રીસેક હજયાત્રીઓ હજી આવવાના બાકી હતા. આ બાકીના હજયાત્રીઓને હજકમિટીના ચેરમેન અને અન્ય સભ્યોએ શુભેચ્છા પાઠવવા રોકી રાખ્યા હતા. બીજી તરફ રિપોર્ટીંગનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી સઉદી એરલાઈન્સે તેમનું કાઉન્ટર બંધ કરી ફલાઈટ ઉપાડવાની જાહેરાત કરી દીતી હતી. આ સાંભળી હજયાત્રીઓમાં રોકકળ મચી ગઈ હતી. તે દરમ્યાન હજ કમિટીના હોદ્દેદારો પણ દોડી આવ્યા હતા અને બાકીના હજયાત્રીઓને લઈ જવા વિનંતી કરી હતી. અંતે સઉદી એરલાઈન્સે હાજીઓના હિતમાં નિર્ણય લઈ બાકીના હજયાત્રીઓનું રિપોટીંગ કરી તેમને ફલાઈટમાં રવાના કર્યા હતા આથી ફલાઈટ લગભગ પોણો કલાક મોડી ઉપડી હતી. આમ હજ કમિટીના હોદ્દેદારોએ હજના કાર્યક્રમને પણ રાજકીય અખાડો બનાવી દેતા મુસ્લિમ સમાજમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે અને સોશિયલ મીડિયામાં આ ઘટનાને સખ્ત રીતે વખોડી કાઢવામાં આવી છે.