(એજન્સી) દુબઇ, તા. ૧૩
સંયુક્ત અરબ અમીરા (યુએઇ)માં ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ અતુલ કોચરને ઇસ્લામ વિરોધી ભડકાઉ ટિ્વટ કરવાને પગલે જેડબ્લ્યુ મેરિયટ હોટલે તેમની સાથેના પોતાના કરાર ખતમ કરી નાખ્યા છે. જેડબ્લ્યુ મેરિયટ મારકીસના જનરલ મેનેજર બિલ કેફરે જણાવ્યું કે શેફ અતુલ કોચર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને પગલે રંગ મહલ માટે તેમની સાથેના અમારા કરારનો અંત આણવાનો અમે નિર્ણય લીધો છે. આ કરાર ખતમ થવાની સાથે જ શેફ અતુલ હવે આ રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા રહેશે નહીં. હોટલના જારી કરવામાં આવેલા નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે દુબઇના જેડબ્લ્યુ મેરિયટ હોટલમાં અમે સંસ્કૃતિની વિવિધતા પર ગર્વ કરીએ છીએ. અમે પરંપરાગત અનુભવ અને ઉચ્ચ સેવા માનકોને જાળવી રાખવા માટે પ્રસિદ્ધ છીએ, તેના માટે રંગ મહલ પણ પ્રસિદ્ધ છે. અતુલ કોચરની ઇસ્લામ વિરોધી ટિપ્પણીઓના મામલામાં જેડબ્લ્યુ મેરીયટ હોટલે પોતાને અલગ કરી લીધું છે અને હોટલે એવું ટિ્વટ કર્યું કે કોચરની ટિપ્પણીઓ સાથે હોટલ સહમત નથી. એટલું જ નહીં કોચરના ટિ્વટનું હોટલ સમર્થન પણ કરતી નથી.
કોચરે ‘ક્વોન્ટિકો’ના એક એપિસોડ માટે અભિનેત્રી પ્રિયંકા ચોપડાની ટીકા કરી હતી
અતુલ કોચરે અમેરિકી ટીવી શ્રેણી ‘ક્વોન્ટિકો’ના એક એપિસોડ માટે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની ટીકા કરી હતી. એપિસોડમાં ભારતીય રાષ્ટ્રવાદીઓને આતંકીઓના સ્વરૂપમાં બતાવવામાં આવ્યા હતા. અતુલ કોચરે એવું ટિ્વટ કર્યું હતું કે ‘આ જોઇને દુઃખ થઇ રહ્યું છે કે તમે (પ્રિયંકાએ) હિન્દુઓની ભાવનાઓનું સમ્માન કર્યું નથી, જે ૨૦૦૦ વર્ષથી વધુ સમયથી ઇસ્લામના આતંકનો શિકાર થતા રહ્યા છે.’ કોચરની ઇસ્લામ વિરોધી ટિપ્પણીઓથી સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઇ ગયો હતો અને ટિ્વટરનો ઉપયોગ કરનારાઓએ શેફને હટાવવાની માગણી કરી હતી. ક્વોન્ટિકો’ના એપિસોડ નક્કી કરવામાં પ્રિયંકા ચોપડાની પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ ભૂમિકા નહીં હોવાછતાં પ્રિયંકાએ માફી માગી લીધી છે.
મુસ્લિમ વિરોધી ટિ્વટ બદલ શેફે માફી માગી
શેફ અતુલ કોચર ટિ્વટર પર ઇસ્લામ વિરોધી ટિપ્પણીઓ કરવા બદલ વિવાદમાં ઘેરાઇ ગયા છે. આ મામલે વિવાદ વધતો જોઇને અતુલ કોચરે ટિ્વટર પર જ માફી માગી લીધી છે. કોચરે એવું ટિ્વટ કર્યું કે મારા દ્વારા કરવામાં આવેલા ટિ્વટ માટે હું કોઇ ખુલાસો કરીશ નહીં. હું માનું છું કે ઇસ્લામનો જન્મ આશરે ૧૪૦૦ વર્ષ પહેલા થયો અને તેના માટે હું માફી માગું છું. મને ઇસ્લામોફોબિયા નથી, મને પોતાની ટિપ્પણીઓ માટે પસ્તાવો છે.