ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે લક્ઝરીઓ બંધ રહેતા પ્રવાસીઓએ હાલાકી ભોગવી

અમદાવાદ,તા.૨૦
દેશભરના ટ્રાન્સપોર્ટર્સની બેમુદતી હડતાળ શરૂ થઇ ચૂકી છે. ટ્રાન્સપોર્ટ એસોસિયેશનને એક દિવસ માટે સહકાર આપવાના મુદ્દે રાજ્યભરની ખાનગી લક્ઝરી બસ સેવા બંધ રહેતાં હજારો મુસાફરો અટવાયા હતા. જેમને પ્રવાસ કરવો જ પડે તેવી પરિસ્થિતિ છે તેઓએ એસટી બસનો સહારો લેતાં આજે એસટીની બસો હાઉસફુલ જઇ રહી છે, જોકે વરસાદી વાતાવરણ અને રજાનો દિવસ નહીં હોવાથી ભારે ધસારો થવાની પરિસ્થિતિ અટકી ગઇ છે, પરંતુ ખાનગી લકઝરી બસ બંધ હોવાનો લાભ અપડાઉન કરતી ટેકસી સર્વિસે બમણા ભાવ વસૂલી મુસાફરો પાસેથી લીધો છે. અમદાવાદથી ભાવનગર, મહેસાણા કે રાજકોટ, વડોદરા જતી ખાનગી ટ્રાવેલ્સની બસોની કિંમત કરતાં બમણા ભાવ ખાનગી ટેકસી સંચાલકો વસૂલી રહ્યા છે. પ્રવાસીઓ પણ મજબૂરીથી ચૂકવી રહ્યા છે. સૌરાષ્ટ્ર તરફ જતી બસો મોટા ભાગે નહેરુનગર, ગીતામંદિર અને ઇસ્કોન તથા ઉજાલા સર્કલથી પેસેન્જર્સ લે છે. આજે આ તમામ સ્થળોએ મુસાફરોની ભારે ભીડ છે. એસટીમાં ઓનલાઇન બુકિંગ કરવા નહીં ટેવાયેલા મુસાફરો એસટી બસમાં બેસવા પડાપડી કરી રહ્યા હતા. અમદાવાદ શહેરથી રાજ્યભરમાં સુરત, રાજકોટ, ભાવનગર, અમરેલી વગેરે સ્થળોએ દર કલાકે ઉપડતી પ૦૦ જેટલી ખાનગી લકઝરી બસો આજે એક દિવસ માટે બંધ રહી છે. બસ સંચાલકોએ તેમના આજથી શરૂ થતાં બુકિંગ લીધાં નથી. ગઇ કાલ રાતના ૧ર વાગ્યાથી આજ રાતના ૧ર વાગ્યા સુધી લકઝરી બસો બંધ રહેશે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસોના પિકનિક કે સેમિનાર જેવા પ્રસંગોએ થયેલા બુકિંગ રદ કરાયાં છે. ડીઝલના ભાવમાં ઓઇલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલો બેફામ વધારો. સરકારની ટોલ ટેક્સની નીતિ, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રિમિયમમાં કરવામાં આવેલો વધારો. જીએસટીના ઇ-વે બિલ સંદર્ભ સરકારની નીતિ જેવા વિવિધ પ્રશ્નોને લઇને ટ્રાન્સપોર્ટરો દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતરી ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks