અમદાવાદ,તા. ૩૦
રાજયની વિવિધ જેલોમાંથી પેરોલ-ફર્લો કે વચગાળાના જામીન પર છૂટી ફરાર થયેલા આરોપીઓ, પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલા આરોપીઓ તેમ જ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા તા.૨જી ઓગસ્ટથી તા.૨૦મી ઓગસ્ટ દરમ્યાન એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જે દરમ્યાન પેરોલ-ફર્લો જમ્પ કરી ફરાર થનાર, વચગાળાના જામીન પર છૂટી નાસી જનાર અને પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલા મળી ૨૧ આરોપીઓ તેમ જ વિવિધ ગુનામાં નાસતા ફરતા ૩૯૧ વોન્ટેડ આરોપીઓ મળી કુલ ૪૧૨ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા આવા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સેલની રચના કરવામાં આવી છે અને તેની કામગીરીના ભાગરૂપે માત્ર ૧૮ જ દિવસમાં ૪૧૨ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. રાજયના ડીજીપી અને સીઆઇડી ક્રાઇમના ડીજીપી દ્વારા આ ઝુંબેશને સફળ બનાવવા રાજયના તમામ શહેરો અને જિલ્લાઓમાં સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અને કામગીરી દરમ્યાન ઉપરોકત આરોપીઓ ઝડપાઇ ગયા હતા. સીઆઇડી ક્રાઇમ સહિતની ટીમો દ્વારા અમદાવાદ, વડોદરા, અમદાવાદ ગ્રામ્ય, સુરત, વડોદરા ગ્રામ્ય, દાહોદ, ગોધરા, ખેડા, આણંદ, ભરૂચ, પાટણ, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં આ ઝુંબેશની અસરકારક કામગીરી કરવામાં આવી હતી, જેમાં પોલીસ તંત્રને સારી એવી સફળતા પ્રાપ્ત થઇ હતી અને ૪૧૨ આરોપીઓ ફરી પોલીસના સંકજામાં આવી જતાં તેઓને જેલ હવાલે કરાયા છે.