
અમદાવાદ, તા.૧૭
હળવદ ખાતે તાજેતરમાં થયેલી જૂથ અથડામણમાં ઘાયલ થયેલ વધુ એક ભરવાડ શખ્સનું મોત નિપજતાં ભરવાડ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જૂથ અથડામણ કેસના આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ સાથે મૃતકની લાશને નહીં સ્વીકારવાનું કહી ગાંધીઆશ્રમમાં ધરણા ઉપર બેસી ગયા હતા. તેમજ માલધારી સમાજના અગ્રણીઓએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. સમગ્ર દિવસ દરમ્યાન ચાલેલા ધરણા અને રજૂઆત બાદ ડીજીપીએ યોગ્ય તપાસ કરવાની ખાતરી આપતાં અંતે મૃતદેહ સ્વીકારવાનું નક્કી કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ ખાતે રાજપૂત અને ભરવાડ સમાજ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં ઘાયલ થયેલા ખેતાભાઈ ભરવાડનું રવિવારે રાત્રે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેથી સોમવારે સવારે મૃતકના પરિવારજનો અને માલધારી સમાજના લોકોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનું જણાવીને ધરણા પર બેસી ગયા હતા. તદ્ઉપરાંત કેટલાક માલધારી સમાજના અગ્રણીઓએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી ગાંધીઆશ્રમ ખાતે ધરણા કરવા બેસી ગયા હતા. પોલીસ સમાજના અગ્રણીઓએ ધરણા બંદોબસ્ત વચ્ચે માલધારી ઉપર બેસીને હળવદમાં જૂથ અથડામણની ઘટનાના આરોપીઓને તાકીદે પકડવાની માંગ કરી હતી તદ્ઉપરાંત માલધારી સમાજના અગ્રણીઓનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાત પોલીસના વડા ડીજીપી ગીથા જોહરીને મળીને રજૂઆત કરી હતી. ત્યારે ડીજીપી જોહરીએ હળવદની જૂથ અથડામણની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવાની બાંહેધરી આપતા માલધારી સમાજે સંતોષ માન્યો હતો. તેમજ હળવદની ઘટનામાં મૃત્યુ પામેલા શખ્સના મૃતદેહને સ્વીકારવાનું નક્કી કર્યું હતું. ત્યારે આવતીકાલે હળવદમાં મૃતકની સ્મશાન યાત્રા કાઢીને તેના અંતિમસંસ્કાર કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે હાલની સ્થિતિને જોતા હળવદમાં માહોલ ગરમાયેલો છે ત્યારે પરિસ્થિતિ વણસે નહીં તે માટે સ્મશાન યાત્રા કાઢવા ન દેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.