કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રવક્તાઓના ર૮ સભ્યોના પ્રતિનિધિ મંડળે હાર્દિકની મુલાકાત લીધી

અમદાવાદ, તા.ર૭
હાર્દિક પટેલ ઉપવાસને ત્રીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રવક્તાઓનું ર૮ સભ્યોનું ડેલિગેશન હાર્દિકને મળવા માટે તેના નિવાસ સ્થાને આવ્યું હતું. તે અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોના ડેલિગેશને હાર્દિકના ઉપવાસ અને ખેડૂતોના દેવા માફી મુદ્દે રાજ્યપાલને મળીને રજૂઆત કરી હતી. આ રજૂઆત અંગેની ચર્ચા ધારાસભ્યોએ હાર્દિક સાથે કરી હતી. હાર્દિકના નિવાસસ્થાને પહોંચીને કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રવક્તાઓએ હાર્દિકને મળીને તેમને સમર્થન જાહેર કર્યું હતું. તદ્‌ઉપરાંત મુંબઈના ધારાસભ્યએ પણ હાર્દિકની મુલાકાત લીધી હતી. હાર્દિકની મુલાકાતે આવેલા એલ.જે.ડી. (લોકતાંત્રિક જનતા દળ)ના મુંબઈના ધારાસભ્ય કપિલ પાટિલે હાર્દિકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, આજે હું ગુજરાતના યુવા નેતા હાર્દિકને સમર્થન આપવા શરદ યાદવનો સંદેશ લઈને આવ્યો, બે માગણી સાથે હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કર્યા છે ત્યારે મારો સવાલ એ છે કે આ સરકારને ગાંધીજી અને તેના માર્ગથી પણ નફરત છે. ઉપવાસ પર બેઠેલા હાર્દિકને મળવા પણ દેવાતા નથી. ઉપવાસ પર બેઠેલા વ્યક્તિને ન મળવા દેવા એ પહેલીવાર જોવા મળી રહ્યું છે. જેમાં પોલીસનો વાંક નથી, પણ ગુજરાતમાં બેઠેલી કઠપૂતળી સરકારનો દોષ છે અને કઠપૂતળી સરકાર હોવાથી તેમને મોદીનો ભય છે. આજે માત્ર એક જ સવાલ છે કે પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફ માટે સરકાર કેમ કોઈ નિર્ણય લેતી નથી. સરકાર હાર્દિકને ન મળવા દઈ એવું માનતી હોય કે આ વાત બહાર નહીં ફેલાય તો આ એમની ભૂલ છે. આ વાત સરકાર માટે બુમરેંગ સાબિત થશે અને સરકારે તેની કિંમત ચૂકવવી પડશે. ઉપવાસના ત્રીજા દિવસે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે હર્ષદ રિબડિયાએ હાર્દિકને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદે સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
૨૫મી તારીખે કાલાવડ વિસ્તારમાંથી અમુક ખેડૂતો હાર્દિક પટેલને મળવા માટે અમદાવાદ આવ્યા હતા. આ ખેડૂતો કાલાવડ પરત ફરતા કોઈ પણ કારણ વગર પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. હું પોલીસ તંત્રને કહેવા માંગું છું કે ગુજરાતની આ હિટલરશાહી સરકારની ચાપલૂસી કરવાનું બંધ કરે. કારણ કે આ સરકાર આજે છે કાલે નહીં પણ રહે. હવે પોલીસ જ કાયદો હાથમાં લઈ રહી છે. ગુજરાતમાં હિટલરશાહી ચાલી રહી છે.
પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ અને ખેડૂતના પુત્ર હોવાને નાતે હું હાર્દિકને મળવા આવ્યો છું. અમે વિધાનસભામાં અનેક વખત રજુઆતો કરી હોવા છતાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવતું નથી. અન્ય રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતના દરેક ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયેલો છે. એક પણ ખેડૂત એવો નથી જેના પર દેવું ન હોય. ખેડૂતો આપઘાત કરવા માટે મજબૂર બન્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks