અમદાવાદ, તા.૮
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવા મામલે કોર્ટે આંદોલનના નેતા હાર્દિક, લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. સાથે કોર્ટે હાર્દિક અને લાલજીને રૂપિયા પ૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસ મામલે હાર્દિકે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને હાઈકોર્ટે હાર્દિકને મોટી રાહત મળી છે. હાલ હાર્દિકની સજા પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે અને હવેથી આ કેસ હાઈકોર્ટમાં ચાલશે. પાટીદાર અનામત આંદોલન સમયે ત્યાંના વિસનગરના સ્થાનિક ધારાસભ્યની ઓફિસ તોડફોડ મુદ્દે હાર્દિક અને લાલજી તથા એ.કે. પટેલને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા અને બે-બે વર્ષની સજા ફટકારી હતી. જેમાં હાર્દિક સહિત અન્યોને ૧પ-૧પ હજારના બોન્ડ પર જામીન પણ મળી ગયા હતા. હાર્દિકે હાઈકોર્ટમાં આ કેસમાં તેને સજા રદ કરવા અપીલ કરી હતી. જે હાઈકોર્ટે એ માન્ય રાખતાં સજા પર સ્ટે આપ્યો છે. હાર્દિકે આ ચુકાદા અંગે કહ્યું હતું કે જે ચુકાદો જાણીજોઈને ફસાવવામાં આવ્યા છે. હાઈકોર્ટે જે સ્ટે આપ્યો છે તે યથાવત રહેશે તો હાર્દિક આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે ! અને વિસનગરના કેસમાં જો સજા રદ થાય તો જ ચૂંટણી લડી શકશે અને જો હાઈકોર્ટ વિસનગર કોર્ટના ચુકાદાને માન્ય રાખશે તો હાર્દિક ચૂંટણી નહીં લડી શકે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાર્દિકને ર૦૧૯ની લોકસભાની ચૂંટણી લડવાની મહેચ્છા છે. તેથી તેણે લોકસભાની ચૂંટણી માટે અમરેલીની બેઠક પર પોતાની પસંદગી ઉતારી છે. ઉલ્લેખનીય છે કે જુલાઈમાં હાર્દિકની ઉંમર રપ વર્ષ પૂર્ણ થઈ છે જેથી તે ચૂંટણી લડવા માટે લાયક છે અને લડી પણ શકે છે પરંતુ કોર્ટ તેને ર વર્ષની જે સજા કરી છે તે બરકરાર રહેશે તો તે ચૂંટણી લડી શકશે નહીં. જો સ્ટે રહેશે તો હાર્દિક લોકપ્રતિનિધિત્વ ધારા પ્રમાણે ચૂંટણી લડી શકશે.