અમદાવાદ, તા.ર૩
હાર્દિક પટેલે ઉપવાસ માટે નક્કી કરેલી રપ ઓગસ્ટને માંડ બે દિવસ બાકી છે ત્યારે હજુ હાર્દિક ઉપવાસ ક્યાં કરશે તે અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા સામે આવી નથી ત્યારે નિકોલમાં હાર્દિક પટેલે ઉપવાસ માટે માંગેલા પ્લોટ સહિતના તમામ પ્લોટને કોર્પોરેશને પાર્કિંગમાં ફેરવી દીધા છે એટલું જ નહીં તેને ગાડીમાં બેસીને ઉપવાસ કરવાની પણ મંજૂરી મળી નથી ત્યારે હવે હાર્દિકે ટ્વીટ કરીને એવો આક્ષેપ કર્યો છે કે, ઉપવાસ આંદોલન રોકવા માટે હાર્દિક જે મકાનમાં ભાડે રહે છે તેના માલિકને મકાન ખાલી કરાવવા માટે મજબૂર કરાઈ રહ્યો છે ત્યારે હાર્દિકે ટ્વીટ કર્યું છે કે ગુજરાત મોડેલ તો ઠીક પરંતુ હવે તો સ્વતંત્રતા પર પણ મોટો સવાલ ઊઠી રહ્યો છે. શું ખેડૂતો અને ગરીબો માટે ભાજપ સામે લડવું ગુનો છે ? આટલેથી ન અટકતા હાર્દિક એકબીજા ટ્વીટમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે તેના ઉપવાસ આંદોલનને રોકવા માટે અમદાવાદમાં કલમ-૧૪૪ લાગુ કરવામાં આવી છે પણ બુધવારે અમદાવાદમાં ભાજપે પરવાનગી વગર જ રેલી કાઢીને કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા છે ત્યારે જોઈએ છીએ કે પોલીસ હવે શું કરે છે ? એમ ટ્વીટ કરી હાર્દિકે ટ્વીટરના માધ્યમથી ભાજપને આડે હાથે લઈ પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અનામત અને ખેડૂતો અને દેવા માફીની માગ સાથે રપમી ઓગસ્ટથી અનિશ્ચિત સમયના અનશન પર ઉતરવાની હાર્દિકની જાહેરાત બાદ હરકતમાં આવેલ સરકારે હાર્દિકની અટકાયત કરતા રાજ્યમાં મામલો ગરમાયો હતો ત્યારે હવે સૌની નજર રપમી ઓગસ્ટના ઉપવાસ પર છે.