અમદાવાદ,તા.૩૦
પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિકે ઉપવાસના છઠ્ઠા દિવસે પાણીનો પણ ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. જેના લીધે તેની તબિયત વધુ બગડે તેવી શકયતા છે જો કે, હાર્દિકે ટવીટ કરીને કહ્યું છે કે સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું છે કે જનતંત્રમાં જનતાનો અવાજ દબાવી શકાય નહીં. જો તેનો અવાજ દબાવવામાં આવે તો મોટો વિસ્ફોટ થશે. જો કે ગુજરાતમાં પણ જે રીતે અવાજ દબાવવામાં આવી રહ્યો છે. હું દાવા સાથે કહું છું કે, સંપૂર્ણ લોક ક્રાંતિનું આહવાન છે. સત્તા સામે જનતાનો વિસ્ફોટ થશે. તેવો સણસણતો આક્ષેપ હાર્દિકે કર્યો હતો. પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોની દેવા માફીને લઈ હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. આજે તેના ઉપવાસનો છઠ્ઠો દિવસ છે. ગઈકાલે (ર૯ ઓગસ્ટ) હાર્દિક પટેલે એફબી લાઈવ કરી છઠ્ઠા દિવસથી પાણી પણ નહીં લેવાની જાહેરાત કરી હતી. આજે હાર્દિકને મળવા માટે ગામડેથી તેના દાદા આવ્યા હતા. આ અંગે હાર્દિકે ટવીટર પર લખ્યું કે આજે ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે મારા દાદા ગામડેથી મને મળવા માટે આવ્યા હતા. દાદાની આંખો ભીની હતી, અને દુઃખી હતા પરંતુ તેમણે કહ્યું કે લડ ખેડૂતોની વાત છે. આપણી ગઈકાલ મજબૂત હતી. પણ આવનારી હાલ ખુબ જ ખરાબ છે તારે લડવાનું છે. આપણા સમાજને સામાજિક ન્યાય અપાવવાનો છે અને ખેડૂતોની દેવા માફી કરાવવાની છે. દેશને ખવડાવનારા ખેડૂતો ગરીબ અને લાચાર થઈ ગયા છે. આપણે કયાં સુધી સહન કરતા રહીશું. હવે સહન નહીં કરીએ લડીશું ત્યારે જ તો બેટા જીતીશું.
હાર્દિકને મળવા માટે દિલ્હીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કર્નલ દેવેન્દ્ર શેરાવત આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું જે રીતે અહિંયા પહોંચ્યો છું એ જોતા લાગે છે કે કિલ્લેબંધી કરવામાં આવી છે. નાકાબંધી કરવામાં આવી છે જેથી કોઈ આવી ના શકે તંત્રનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. હું ખેડૂત પરિવારમાંથી છું અને સૈનિક હતો. હાર્દિક હમેશા ખેડૂતોની વાત કરતો આવ્યો છે. હું વ્યકિતગત રીતે હાર્દિકને સમર્થન આપવા આવ્યો છું.
આ દેશમાં જો કોઈની સાથે અન્યાય થતો હોય તો તે ખેડૂત સાથે થાય છે. ખેડૂતનો જમીન પર અધિકાર નથી અને જે ખંત પેદાશ કરે છે. તેના પર પણ અધિકાર નથી. આપણા દેશમાં ખેડૂતોને જેટલી સહાય આપવામાં આવે છે એટલી યુરોપમાં ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. ખેતી કરનાર વ્યકિત દેશના વિકાસમાં મોટો સહયોગ આપે છે. પર્યાવરણને શુધ્ધ રાખવા માટે ગ્રીન અલાઉન્સનો હકદાર છે. પણ આ દેશમાં દરેક વ્યકિતને પ્રોત્સાહન છે પણ ખેડૂતોને નહીં હું ખેડૂત વર્ગ સાથે જોડાયેલો છું અને ખેડૂત વર્ગ તરફથી આવ્યો છું. મે ખેડૂત આંદોલનનો અને જમીન અધિગ્રહણ બિલ બનાવવામાં ભૂમિકા અદા કરી છે. ખેડૂતોની વાત હાર્દિક કરે છે માટે તેની સાથે લાગણી જોડાયેલી છે. ખેડૂતની વાત રાખવા માટે કોઈ સંગઠન નથી જે બજેટમાં તેમની વાત રાખી શકે માટે ખેડૂતો સાથે અન્યાય થાય છે અને વર્ષ ર૦૧૯માં ખેડૂતોનો મુદ્દો મુખ્ય રહેશે. સારા સપના જોવા સારી વાત છે પણ અર્થવ્યવસ્થા બળદ ગાડામાં ચાલતી હોય તો બુલેટ ટ્રેન થોડી મુલતવી રાખવી જોઈએ એમ કર્નલ શેરાવતે જણાવ્યું હતું.