જૂનાગઢ, તા.૧૩
પાટીદાર અનામત આંદોલનના યુવા અગ્રણી હાર્દિક પટેલ લાંબા સમય બાદ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટ, જૂનાગઢ અને વંથલીની મુલાકાતે તેઓ આવી રહ્યા છે. તેની સાથે સ્થાનિક પાસનાં અગ્રણીઓ પણ મુલાકાતમાં જોડાશે. આ અંગે વધુમાં મળતી વિગત અનુસાર હાર્દિક પટેલ આવતીકાલે રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજર થશે.
જેમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે નાના મૌવા વિસ્તારમાં યોજાયેલી સભાની પરવાનગી ન હોય તે મુદ્દે તેના વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો તેથી તે પોલીસ મથકમાં હાજર થશે. ત્યારબાદ હાર્દિક પટેલ વંથલીમાં થઈ રહેલી ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર નયન કલોલા ઉપર ખનીજ માફિયાઓએ હુમલો કરતા નયન કલોલાની ખબર-અંતર પૂછવા જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે કલ્પ હોસ્પિટલમાં જઈ ખબર-અંતર પૂછી વંથલી પટેલ સમાજમાં રાખેલી મીટિંગમાં હાજરી આપશે. ત્યારબાદ અજાબ જશે ત્યાં પાટીદાર અનામત આંદોલનના યુવા આંદોલનકારી સાગર ભીમાણીનું નિધન થતાં તેનાં બેસણામાં હાજરી આપવા જશે.