અમદાવાદ, તા. ર૯
પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ શરૂ કર્યાને બુધવારે પાંચમો દિવસ હતો ત્યારે નિયમિત હાર્દિકનું મેડિકલ ચેકઅપ સોલા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાર્દિકનું બ્લડ પ્રેસર અને સુગર તથા બાકીના રિપોર્ટ નોર્મલ છે. હાર્દિકનું મંગળવારે જેટલુ વજન હતુ તેના કરતા પ૦૦ ગ્રામ વજન ઓછું થઈ ગયું છે. ડૉકટરે હાર્દિકને હોસ્પિટલના ઓબ્ઝર્વેશન હેઠળ રહેવાની સલાહ આપી હતી તેમજ વધુમાં વધુ પાણી લેવાની પણ સલાહ આપી હતી. જો કે હાર્દિકના મેડિકલ અપડેટની કોપી ડૉકટર પાસે માંગતા ડૉકટરે રિપોર્ટ આપ્યો ન હતો. જેથી નારાજગી વ્યાપી ગઈ હતી. જેને લઈને હાર્દિકના ખાનગી ડૉકટરને બોલાવીને બ્લડ અને યુરિનના સેમ્પલ લેવાયા હતા. એટલે સોલા સિવિલના ડૉકટરોએ હાર્દિકના બ્લડ સેમ્પલ સહિતના સેમ્પલ લઈને રિપોર્ટ આપ્યો ન હોવાનો આક્ષેપ કરીને આંદોલનકારીઓએ હાર્દિકના રિપોર્ટ કઢાવવા માટે ખાનગી ડૉકટરને બોલાવ્યા હતા. જો કે ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે હાર્દિકની તબિયત લથડી હતી. તે પોતે ચાલી શકતો ન હતો.