અમદાવાદ,તા.ર૮
પાટીદાર આંદોલનને બંધ કરવામાં નિષ્ફળ ગયેલી ભાજપ સરકાર હવે પાટીદારોના મતો પોતાના ખોળે કરવા હાર્દિક પટેલ કોંગ્રેસનો એજન્ટ છે તેવા પ્રચારની શરૂઆત કરી છે. પાટીદાર આંદોલનની ઈફેકટ ચૂંટણીમાં ના પડે તે માટે આંદોલનકારીઓ સાથે સરકારે વારંવાર બેઠકો કરી હોવા છતાં તેનો કોઈ નિવેડો ન આવતા હવે ભાજપ સરકારે હાર્દિક વિરુધ્ધ સોશિયલ મીડિયામાં પ્રચાર કરવાનું શરૂ કરી દીધુ છે. ભાજપ સરકારે હાર્દિક વિરુધ્ધ શરૂ કરેલા પ્રચાર અંતર્ગત સોશિયલ મીડિયામાં હાર્દિકના ફોટા અને કોંગ્રેસના સિમ્બોલ સાથે ફરતા થયેલા મેસેજમાં જણાવાયું છે કે ‘ભાજપ સરકારે પાટીદાર સમાજની માગણી પૂરી કરી અને સમાજને સાથ આપ્યો બીજી બાજુ કોંગ્રેસ અને હાર્દિક પટેલ પાટીદાર સમાજને ગુજરાતના હિત વિરુધ્ધ ઉશ્કેરી રહ્યા છે’ જયારે બીજા મેસેજમાં લખાયું છે કે કોંગ્રેસ પોતાના બળે શાસન પર આવી નથી શકતી માટે ગુજરાતની શાંતિ ડહોળવા પ્રયાસ કરી રહી છે હાર્દિક પટેલનો ઉપયોગ ગુજરાતમાં ઉપદ્રવ મચાવવા માટે કોંગ્રેસે હાર્દિકને એજન્ટ તરીકે રાખ્યો છે’ જેવા મેસેજ ભાજપ સરકાર દ્વારા ફરતા કરાયા છે. પાટીદારોને મનાવવા સરકારે તાજેતરમાં બેઠક કરી બિનઅનામત આયોગ બનાવવાની અને પાટીદારો ઉપર થયેલા કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તેમ છતાં હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓએ આ જાહેરાતને લોલીપોપ ગણાવી આંદોલન ચાલુ જ રાખવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી સાથે હાર્દિકે બેઠક કરી હોવાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. જો કે હાર્દિકે આંદોલન દરમ્યાન ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા, શિવસેનાના ઉદ્વવ ઠાકરે જેવા નેતાઓને પણ મળ્યો છે. જો કે રાહુલ સાથે હાર્દિકની બેઠકથી ભાજપ સરકાર રધવાઈ થઈ છે. ત્યારે પાટીદારોના મતોની ખેતી કરવા ભાજપ સરકારે હાર્દિક કોંગ્રેસનો એજન્ટ છે. તેવો પ્રચાર કરવાનું છેલ્લું હથિયાર વાપર્યું છે. એટલે કહેવતની જેમ ‘દ્રાક્ષ ખાવા ના મળી તો ખાટી છે’ તે અહીં સાર્થક થઈ છે.