અમદાવાદ, તા.પ
અનામતની માગ અને ખેડૂતોના દેવા માફી માટે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિકને ઉપવાસના પ્રથમ દિવસથી રાજ્ય અને દેશમાંથી સમર્થન મળી રહ્યું છે ત્યારે ઉપવાસના ૧રમાં દિવસે ભાજપના સાથી પક્ષ ગણાતા શિવસેના હાર્દિકના સમર્થનમાં આવતા રાજકીય માહોલ ગરમાયું છે. છેલ્લા ૧૨ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં શિવસેના આવી છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મામલે ઉપવાસ આંદોલન કરી રહ્યો છે. જેને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ સપોર્ટ કરવાની જાહેરાત કરી છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ મહારાષ્ટ્રમાં પત્રકાર પરિષદ યોજીને હાર્દિક પટેલ માટે સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મેં હાર્દિક સાથે ફોન પર વાતચીત કરી પારણાં કરી લેવાની સલાહ આપી છે. ઠાકરે કહ્યું કે હાર્દિક સાથે સરકારે ચર્ચા કરવી જોઇએ.