હાર્દિક પટેલ સાથે હાલ કોઈપણ જાતનું સમાધાન નહીં કરવા નિર્ણય

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર અને પાટીદાર અગ્રણી હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મામલે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યાને છ-છ દિવસ વિતવા આવ્યા છે ત્યારે સરકાર તરફથી કૂણું વલણ દાખવવા સહિતના કોઈ પ્રયાસોને બદલે આજે મુખ્યમંત્રીએ મંત્રીઓ તથા ટોચના અધિકારીઓ તથા અગ્રણી નેતાઓ સાથેની બેઠક યોજી તેમાં ચર્ચા-વિચારણાને અંતે હાર્દિક પટેલ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે હાર્દિક પટેલને જેટલા ઉપવાસ કરવા હોય તે કરે અને તેની ધરપકડ પણ નહીં કરાય તેવો સંકેત અપાયો હતો.
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ, પાટીદાર મંત્રીઓ, ભાજપના નેતાઓ અને પાટીદાર સમાજ બીજેપી સમર્થિત અગ્રણીઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરીને હાર્દિકને જે કરવું હોય તે કરે એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
આ ઉેરાંત હાર્દિક પટેલનું આંદોલન વધુ જોર પકડે અને તેના પડઘા દિલ્હી સુધી પહોંચે તે પહેલા આગામી બે દિવસમાં ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દિલ્હીનું તેડું આવે તેવી વિગતો બહાર આવી છે. હાર્દિકના આંદોલન સંદર્ભે કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવાની વ્યૂહરચના ગોઠવાઈ રહી છે. તે પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેસીને આ મામલો ઉકેલવા પ્રયત્ન કરશે. આજની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, રાજ્ય સરકાર હાર્દિકના ઉપવાસ આંદોલન અંગે હાલ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં. અને તેની ધરપકડ પણ કરશે નહીં. તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના દ્વારા આ નિર્ણયથી તેમનું સ્ટેન્ડ લગભગ સ્પષ્ટ થઈ ગયું હોવાનું મનાઈ રહ્યું છે. બેઠકમાં હાર્દિકના ઉપવાસને લઈ ચર્ચા થઈ હતી કે, હાર્દિક પટેલને પોતાના નિવાસસ્થાને જેટલા દિવસ જે રીતે ઉપવાસ કરવા હોય તેનો નિર્ણય હાર્દિક જાતે જ કરી શકે છે. સરકાર આ મામલે હસ્તક્ષેપ કરશે નહીં અને આ તમામ મુદ્દે સરકાર કંઈ કરશે નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks