અમદાવાદ, તા.૬
ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દાને લઈને આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના ઉપવાસનો આજે તેરમો દિવસ છે. પ્રથમ દિવસથી રાજ્ય અને દેશભરમાંથી અનેક નેતાઓ, સંતો અને અગ્રણીઓ હાર્દિકના સમર્થનમાં આવ્યા છે. ત્યારે ઉપવાસના ૧૩માં દિવસે રાજ્યભરમાંથી અનેક લોકો હાર્દિકના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. સુરત, સતલામબા, મહેસાણા, મોરબી, બેચરાજી, પાટણ, ગોંડલ, ચાણસ્મા, પાદરા, ઉંઝા, સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાર્દિકના સમર્થનમાં આવી લોકોએ બંધ પાળ્યો હતો. બજારો બંધ રહી હતી. જ્યારે કેટલીક જગ્યાએ પાટીદાર મહિલાઓએ થાળી-વેલણ વગાડી વિરોધ વ્યકત કર્યો હતો તો કેટલીક જગ્યાએ રામધૂન પણ બોલાવી હતી.
ખેડૂતોને દેવા માફી અને પાટીદારોને અનામતને લઈને અદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસનો આજે તેરમો દિવસ થયો છે અને પાસ તેમજ સરકાર આમને સામને આવી ગઈ છે. દેશભરમાંથી હાર્દિકને મળતા સમર્થનના કારણે ક્યાંકને ક્યાંક સરકારમાં ફફડાટ પણ છે. આજે હાર્દિકના સમર્થનમાં શાળા-કોલેજો બંધ રહી છે. પાસનો દબદબો છે તેવા ઉત્તર ગુજરાતમાં બંધના એલાનની મોટી અસર પહોંચી છે. પાટણમાં હાર્દિકના સમર્થનમાં શાળા કોલેજો બંધ રહી હતી. કેટલાક સ્થાનો પર પાટીદાર યુવાનો બંધ કરાવવા નીકળ્યા હતા. માટે કોઇપણ પ્રકારની સમસ્યા ઉભી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સવાર તથા બપોરની શાળાઓમાં પણ શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. સુરતના અમરેલીમાં અલ્પેશ કથિરીયા અને હાર્દિકના સમર્થનમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા.
હાર્દિકના ઉપવાસ આંદોલનની પાદરામાં પણ અસર જોવા મળી છે. પાદરાના પાટીદારોએ હાર્દિકને પોતાનું સમર્થન આપ્યું છે. સમર્થનમાં પાટીદારોએ કરખડી ગામની તમામ શાળાઓ કરાઈ બંધ રાખવામાં આવી જ્યારે મોરબીના ટંકારામાં વેપારીઓએ બંધ પાળ્યો હતો.
ચાણસ્મા શહેરના લોકોએ ઉપવાસના સમર્થનમાં જડબેસલાખ બંધ રાખીને પોતાનો મિજાજ સરકારને બતાવ્યો છે. મહેસાણા, સતલાસણા, ઉંઝામાં બંધની અસર દેખાઈ હતી. સિદ્ધપુર-ખેરાલુ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે મહેસાણા, ગોંડલ, બેચરાજી સહિતના સ્થળોએ મહિલાઓએ થાળી-વેલણ વગાડી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને અનેક સ્થળોએ રામધૂન બોલાવી હતી. આમ હાર્દિકના સમર્થનમાં રાજ્યભરમાં અનેક લોકો આવવા લાગ્યા છે ત્યારે આગામી દિવસોમાં સ્થિતિ ગંભીર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી સરકાર અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતર્ક બની છે.