(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૪
ખેડુતોનાં દેવા માફી અને પાટીદારોને અનામતની માંગ સાથે પાસનાં હાર્દિક પટેલ છેલ્લા૧૧ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે,જેનાં સમર્થનમાં આજે આણંદ જિલ્લાનાં સરદાર પટેલનાં પૈતૃક ગામ કરમસદ ખાતે પાસનાં કાર્યકરો બળીયાદેવ મંદીરમાં રામધુન કરવા જતા તેઓ રામધુન કરે તે પૂર્વેજ વલ્લભવિદ્યાનગર પોલીસે મંદીરમાંથી પાસનાં આઠ કાર્યકરોની અટકાયત કરી તેઓને વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા,અને ત્યારબાદ તેઓને મોડી સાંજે મુકત કરવામાં આવ્યા હતા,જો કે પાસનાં કાર્યકરોની અટકાયત કરવા માટે બે પીએસઆઈ મંદીરમાં બુટ પહેરીને પ્રવેસતા લોકોની ધાર્મિક લાગણી દુભાવા પામી હતી,અને સ્થાનિક લોકોમાં બુટ પહેરીને મંદીરમાં પ્રવેશ કરનાર પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ રોષ જોવા મળી રહ્યો હતો.
મળતી વિગતો અનુસાર આમરણાંત ઉપવાસ પર ઉતરેલા પાસનાં નેતા હાર્દિક પટેલનાં ઉપવાસ આંદોલનનાં સમર્થનમાં આજે સરદાર પટેલનાં પૈતૃક ગામ કરમસદ ગામે આણંદ જિલ્લા પાસનાં કન્વીનર ભરત પટેલનાં નેતૃત્વમાં બળીયાદેવ મંદીરમાં બપોરનાં ૩ થી ૬ વાગ્ય દરમિયાન રામધુનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પરંતુ વલ્લભવિદ્યાનગર પોલીસનો કાફલો બળીયાદેવ મંદીરમાં ગોઠવાઈ ગયો હતો,અને પાસનાં કન્વીનર ભરત પટેલ,કરમસદ પાલિકાનાં કન્વીનર જગદીશ પટેલ સહીત પાસનાં કાર્યકરો અને સમર્થકો બળીયાદેવ મંદીરમાં પહોંચતા પોલીસે રામધુન શરૂ થાય તે પહેલાજ ભરત પટેલ,જગદીશ પટેલ સુનીલ પટેલ (બકાભાઈ) સહીત પાસનાં કાર્યકરો અને સમર્થકો સહીત આઠ જણાની અટકાયત કરી તેઓને વલ્લભવિદ્યાનગર પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા.