અમદાવાદ,તા. ૩૧
પાટણના બી ડિવીઝન પોલીસમથકમાં પાસના યુવા નેતા હાર્દિક પટેલ સહિત સાત જણાં સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ રદબાતલ ઠરાવવા હાર્દિક પટેલ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન કરવામાં આવી છે. જો કે, બીજીબાજુ, હાર્દિક પટેલના પિતા દ્વારા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, અન્ય ન્યાયમૂર્તિઓ અને ગુજરાત બાર કાઉન્સીલને પત્ર લખી એવી જાણ કરી છે કે, આ પિટિશન હાર્દિક પટેલની સહી કે સંમંતિ વગર ફાઇલ કરાઇ છે, જેને પગલે હવે આ સમગ્ર મામલામાં એક નવો જ વિવાદ સર્જાયો છે. હાર્દિકના પિતા ભરતભાઇ પટેલે એડવોકેટ બી.એમ.મંગુકીયા દ્વારા તેમના પુત્રની મંજૂરી કે સંમંતિ વિના આ પ્રકારે પિટિશન ફાઇલ કરી દેવાઇ હોઇ મંગુકીયા વિરૂધ્ધ કાર્યવાહી કરવા પણ પત્રમાં માંગણી કરવામાં આવી છે. હાર્દિકના પિતાએ એડવોકેટ બી.એમ.મંગુકીયા પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા છે. હાર્દિકના પિતા ભરતભાઇ પટેલે ચીફ જસ્ટિસના સત્તાવાળાઓને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, મારો પુત્ર હાર્દિક પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર છે અને બંધારણની મર્યાદામાં રહી ગુજરાતમાં તે પટેલોને અનામત મળે તે માટે આંદોલન ચલાવી રહ્યો છે. પાટણના બી ડિવીઝન પોલીસમથકમાં હાર્દિક પટેલ તથા અન્યો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રકરણમાં મારા પુત્ર હાર્દિક પટેલની ધરપકડ થઇ છે. જે ફરિયાદ રદબાતલ ઠરાવવા હાર્દિક પટેલપક્ષ તરફથી એડવોકેટ બી.એમ.મંગુકીયાએ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમીનલ મીસેલિનીયસ એપ્લિકેશન નં.૨૧૫૦૪/૨૦૧૭ ફાઇલ કરી છે. પરંતુ વકીલ મંગુકીયાએ મારા પુત્રની મંજૂરી, જાણકારી, સત્તા, સૂચન કે સહમતિ-અધિકાર વિના બારોબાર જ આ અરજી ફાઇલ કરી છે. આ અગાઉ પણ વર્ષ ૨૦૧૫માં એડવોકેટ બી.એમ. મંગુકીયાએ મારા પુત્ર હાર્દિક પટેલને ગેરમાર્ગે દોરી અગાઉથી સહીઓ કરાવી લઇ વકીલાત નામાનો દૂરપયોગ કરતાં તે બાબતે મારા પુત્ર હાર્દિક પટેલે સુરત જેલમાંથી તેમણે અગાઉથી સહીઓ કરાવી મેળવેલા વકીલાતનામાનો દૂરપયોગ ના થાય તે માટે પત્ર લખી ચેતવણી આપી હતી. અત્યારે પણ મારા પુત્ર હાર્દિક પટેલે એડવોકેટ મંગુકીયાને પાટણની પોલીસ ફરિયાદ રદબાતલ ઠરાવવા માટેની કવોશીંગ પિટિશન ફાઇલ કરવા બાબતે કોઇપણ પ્રકારની સત્તા, અધિકાર, મૌખિક સૂચના કે, સહમતિ સુધ્ધાં આપેલ નથી અને તેમછતાં વકીલ મંગુકીયાએ મારા પુત્ર વતી હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન પોતાના અંગત રાજકીય લાભ સારૂ ફાઇલ કરી દીધી છે, તો તે બદલ એડવોકેટ બી.એમ.મંગુકીયા વિરૂધ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા હુકમનો પત્રમાં હાર્દિકના પિતા દ્વારા સત્તાવાળાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.