હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત : સૌરભ પટેલ

અમદાવાદ, તા.૪
છેલ્લા ૧૧ દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને મળવા અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક નેતાઓ આવી ચૂક્યા છે અને આજરોજ તો ભાજપના બે પૂર્વ દિગ્ગજ નેતાઓ યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહા ભાજપને મળવા પહોંચ્યા બાદ રાજ્ય સરકારમાં સળવળાટ થયો હતો અને હાર્દિકના ઉપવાસ કે માગણી મુદ્દે બોલવાના બદલે રાજકીય પ્રતિક્રિયા આપી પાટીદાર અનામત આંદોલનને કોંગ્રેસ પ્રેરિત રાજકીય આંદોલન ગણાવ્યું હતું. સૌરભ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે નિવેદન આપતા જણાવ્યું કે સરકાર બંધારણના નિયમો અનુસાર જે કંઈપણ હશે તે મદદ કરશે. કોઈપણ વ્યક્તિ રાજ્ય સરકાર સમક્ષ પોતાની સમસ્યાનો ઉકેલ લઈને આવી શકે છે. આ તકે સૌરભ પટેલે કોંગ્રેસ પર આક્ષેપો કરતા જણાવ્યું કે પાટીદાર આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે અને આજે પણ કોંગ્રેસના લોકો હાર્દિકને સલાહ આપી રહ્યાં છે. હાર્દિકના આરોગ્ય અંગે નિયમિત થતી તપાસ મામલે સૌરભ પટેલે જણાવ્યું કે હાર્દિક તેનું મેડિકલ ચેકઅપ કરવા આવતા ડોક્ટર્સને સહકાર આપતો નથી અને સાથે સૌરભ પટેલે હાર્દિકને ડોક્ટરોની સલાહ માનવા જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર ખેડૂતોને તમામ મુદ્દે સહાય આપવા માટે તૈયાર છે અને ખેડૂતોને પાણી પહોંચાડવા માટે સરકારે અનેક પ્રયત્નો કર્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે મગફળી, તુવેર, અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરી છે અને આવનારા દિવસોમાં સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશિલ રહેશે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં પટેલે કહ્યું કે, જેઓ હાર્દિકને ટેકો આપે છે તેમના દ્વારા અનામતનો કોઇ પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી. કોંગ્રેસ તરફથી અનામત મુદ્દે કોઇ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રાજ્યના પાટીદાર સમજે છે, અને જાણે છે કે આંદોલન પાછળ કોણ છે અને કોના દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે પાટીદાર સમાજ જાગૃત રહે તેવી આશા રાખીએ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks