
પાટણ, તા.રપ
બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે બનાસ નદી ગાંડીતુર બની વહેતાં તેના પાણી પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ, જસુપુરા, રામનગર ગામોમાં ફરી વળતા આ ત્રણેય ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને ૧૦૦થી વધુ લોકો પુરના પાણીમાં ફસાયા હતા. જેઓને એનડીઆરએફની ટીમોએ હોડીઓ અને હેલિકોપ્ટરની મદદથી સલામત સ્થળે ખસેડ્યા હતા. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલા મેઘતાંડવને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે બનાસનદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે દરમિયાન બે કાંઠે વહેતી બનાસ નદીનું પાણી આડું ફાટતા હારીજ તાલુકાના જસુપુરા, ખાખલ, રામનગર ગામોમાં પાણી ફરી વળ્યા હતા અને સંપર્ક વિહોણા બન્યા હતા. તેમજ ૧૦૦ જેટલા લોકો પુરના પાણીમાં ફસાયા હતા જેની જાણ આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી દિલીપ ઠાકોરને થતા વહીવટીતંત્રનો સંપર્ક કરી તાત્કાલિક હેલિકોપ્ટર અને હોડીઓ સાથે એનડીએફઆરની ટીમો બોલાવી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ ટીમોએ હોડીઓ અને હેલિકોપ્ટરની મદદથી પુરના પાણીમાં ફસાયેલા ૧૦૦ જેટલા લોકોને બચાવી લઈ સલામત સ્થળે ખસેડ્યા હતા. આ ઉપરાંત સંપર્ક વિહોણા બનેલ આ ત્રણે ગામોમાં રેસ્ક્યુ ટીમના જવાનોએ ફૂડ પેકેટ પહોંચતા કર્યા હતા તેમજ રાધનપુર તાલુકાના કામલપુર ગામના ૬ વ્યક્તિઓ, રામનગર ગામના ર વ્યક્તિઓ અને જયરામનગર ગામના ૩ વ્યક્તિઓ એમ કુલ ૧૧ વ્યક્તિઓ ખેતરોમાં ફસાઈ ગયેલ જેની જાણ વહીવટીતંત્રને થતા હેલિકોપ્ટર દ્વારા તમામ ૧૧ વ્યક્તિઓને બચાવી પાટણ ખાતે લાવવામાં આવ્યા હતા. પાટણ ખાતે હેલિપેડ ઉપર જ તમામ વ્યક્તિઓનું મેડિકલ ચેકઅપ કરી એમ.કે. સ્કૂલ પાટણ ખાતે રહેવા અને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. અસરગ્રસ્ત તમામ વ્યક્તિઓ પાટણ ખાતે હેલિકોપ્ટરથી ઉતરતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી.