(એજન્સી) ચંદીગઢ, તા.૯
હરિયાણાના પલવલમાં આવેલ ફુલવારી ગામમાં ગત બે મહિનાથી તણાવનો માહોલ છે. આરોપ છે કે અહીંયા ગુજ્જર સમુદાયના બે લોકોએ ર૧ વર્ષના એક દલિત વિદ્યાર્થી સાથે મારઝૂડ કરી હતી. દલિત વિદ્યાર્થીએ કથિતરૂપે આરોપીઓના ઘરનું કામ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ઘટના બાદ બંને પક્ષો તરફથી બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પહેલી એફઆઈઆર દલિત યુવક તરફથી કરવામાં આવી છે. તેમાં હિંસા અને જાતિવાચક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બીજી એફઆઈઆર ગુજ્જર સમુદાયના એક સભ્ય તરફથી દાખલ કરાવવામાં આવી છે તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ગત સપ્તાહે જ્યારે આ કેસ મુદ્દે સમાધાન કરવા માટે બંને સમુદાયના લોકો એક મંદિરમાં એકઠા થયા તો ૧પ દલિત યુવકોએ હિંસા આચરી.
સદર પલવલ પોલીસ સ્ટેશનના એસએચઓ ઈન્સ્પેક્ટર દેવેન્દ્રે કહ્યું, અમને બંને તરફથી એફઆઈઆર મળી છે અને ઘટનાઓની તપાસ કરવામાં આવી રહી છે. જો કે હાલ તો કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી, તો બીજી તરફ સ્થાનિક લોકોમાં આ ઘટનાઓને કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણોસર જ દલિત સમુદાયના કેટલાક લોકો ઘર છોડીને ભાગી ગયા છે. ર૧ વર્ષીય યુવકના પિતાએ દાવો કર્યો છે કે લગભગ ૧૦ પરિવાર ગામ છોડીને ભાગી ગયા છે અને તેઓ પોતાના સંબંધીઓને ત્યાં રહે છે.